News of Thursday, 27th August 2026
ભાજપ સાંસદ કંગના રનૌતનો વિસ્ફોટક ધડાકો: "હું ભાજપની કઠપૂતળી નથી, કાલે પાર્ટી સાથ ન પણ આપે, ટિકિટ ન મળે તો કોઈ ડર નથી!"
બાબા રામદેવ પર આકરા પ્રહાર સાથે કંગનાએ રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવ્યો; કહ્યું - 'હું વીસ વર્ષથી કલાકાર છું, મારી પાસે કરવા માટે બોલિવૂડમાં ઘણું કામ છે.'

નવી દિલ્હી : પોતાના આખાબોલા અને બેબાક અંદાજ માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે તાજેતરમાં આપેલા એક વિસ્ફોટક ઈન્ટરવ્યુમાં એવું નિવેદન આપ્યું છે, જેનાથી પક્ષમાં અંદરોઅંદર ભારે ઘમાસાણ અને વિવાદ સર્જાવવાની પૂરેપૂરી શક્યતા છે. કંગનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું કોઈ ભાજપની કઠપૂતળી નથી. ભાજપ આજે મારી સાથે ઊભો છે, કાલે કદાચ ન પણ રહે. મારી પોતાની પણ એક ખાસ વિચારધારા અને ઓળખ છે."
અગાઉના પોતાના નિવેદનો અને વિવાદો અંગે સફાઈ આપતાં કંગનાએ જણાવ્યું કે, "હું ક્યારેય જાણીજોઈને કડક નિવેદનો આપતી નથી, પરંતુ જ્યારે બહુ ઘોંઘાટ હોય ત્યારે તમારે પણ બૂમો પાડવી પડે છે. જો રાજકારણમાં આગળ લોકસભાની ટિકિટ ન મળે તો મને તેનો કોઈ જ ડર નથી કે મારું અસ્તિત્વ ખતમ થઈ જશે નહીં. હું બે વર્ષથી સાંસદ છું પણ વીસ વર્ષથી એક આર્ટિસ્ટ છું. મારી પાસે ફિલ્મમેકર, રાઈટર અને એક્ટ્રેસ તરીકે કામ કરવા માટે ઘણું બધું છે. આજે પણ ઘણા શ્રેષ્ઠ ડાયરેક્ટર્સ રાહ જોઈને બેઠા છે અને મને પૂછે છે કે મેં ઈન્ડસ્ટ્રી કેમ છોડી."
યોગગુરુ બાબા રામદેવ પર કટાક્ષ કરતા કંગનાએ તીખો ટોણો માર્યો હતો કે, "શું તેઓ ચામાચિડીયું બનીને મારા બેડરૂમના પંખા પર લટકતા હતા?" કંગનાએ કબૂલ્યું હતું કે તે હજુ રાજકારણમાં નવી છે અને ઘણી બાબતો શીખી રહી છે. ક્યારેક પાર્ટી સાથે વિચારધારામાં ઊંચ-નીચ થઈ જાય છે, પરંતુ તે પોતાના વિચારો રજૂ કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે. તેના આ તીખા તેવરથી ભારતીય જનતા પાર્ટીની અંદર નવા રાજકીય સમીકરણો રચાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
