<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

NLSIU બેંગલુરુમાં મોટો વિવાદ: CJI સૂર્યકાંતને આમંત્રણ આપવાના વિરોધ બાદ યુનિવર્સિટીએ દીક્ષાંત સમારોહ રદ કર્યો, વિદ્યાર્થીઓને ડિગ્રી કુરિયરથી અપાશે!

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને CJI ની ઉપસ્થિતિ સામે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને એલ્યુમનાઈનો ઉગ્ર વિરોધ; હવે સમારોહ વિના જ ઓનલાઈન/કુરિયર દ્વારા એનાયત થશે પ્રમાણપત્રો.

બેંગલુરુ : દેશની પ્રતિષ્ઠિત નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU), બેંગલુરુએ આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ૨૦૨૬ બેચનો તેનો ૩૪મો વાર્ષિક દીક્ષાંત સમારોહ રદ કરવાનો એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીની મંજૂરી બાદ હવે કોઈ પણ ભવ્ય સમારોહ વગર જ તમામ સ્નાતક વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી અને પ્રમાણપત્રો કુરિયર દ્વારા મોકલવામાં આવશે અથવા કેમ્પસમાંથી રૂબરૂ લેવાનો વિકલ્પ અપાશે.

 

આ કઠોર નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો વ્યાપક વિરોધ છે. વાસ્તવમાં, યુનિવર્સિટી દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણ સામે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને એલ્યુમનાઈએ સખત વાંધો ઉઠાવ્યો હતો. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે BCI એ NALSAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશને માત્ર એટલા માટે સ્થગિત કરી દીધા કારણ કે તેમણે CJI ની ઉપસ્થિતિનો વિરોધ કર્યો હતો. જોકે, ભારે હોબાળો મચતા BCI એ કલાકોમાં જ પોતાનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.

 

NLSIU ના વિદ્યાર્થીઓએ BCI ના આ પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો હુમલો અને વિદ્યાર્થીઓનું દમન ગણાવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ખુદ CJI સૂર્યકાન્તે પણ NLSIU ના વિદ્યાર્થીઓ સાથે ૯૦ મિનિટ લાંબી બેઠક કરીને તેમની ચિંતાઓ સાંભળી હતી. આમ છતાં, વાતાવરણ તણાવપૂર્ણ રહેતા અને સંભવિત અશાંતિ ટાળવા માટે વહીવટીતંત્રે આખરે દીક્ષાંત સમારોહ રદ કરવાનું જ વધુ યોગ્ય માન્યું છે.

(7:42 PM IST)