<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સીમાંકન પર દેશમાં રાજકીય સંગ્રામ: લોકસભાની બેઠકો વધુ ૨૫ વર્ષ સુધી ન વધારવા ખડગેએ પીએમ મોદીને લખ્યો આકરો પત્ર!

કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન બિલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રમુખે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી : ૨૦૨૯થી મહિલા અનામત લાગુ કરવા અને રાજ્યોનું પ્રતિનિધિત્વ જાળવી રાખવા રજૂઆત કરી

નવી દિલ્હી : દેશમાં આગામી સીમાંકન  પ્રક્રિયાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે લોકસભામાં હાલની ૫૪૩ બેઠકોની સંખ્યા અને રાજ્યવાર બેઠકોનું માળખું આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવામાં આવે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની આપવામાં આવેલી અટકળો બાદ ખડગેએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા પીએમ મોદીને ૧૬ જુલાઈના પત્રની યાદ અપાવી હતી અને આ મુદ્દે બુલડોઝર નીતિ અપનાવવાને બદલે તમામ પક્ષો સાથે વ્યાપક ચર્ચા કરવાની અપીલ કરી છે.

વિરોધ પક્ષના નેતાએ પોતાના પત્રમાં સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સીમાંકન જેવા સંવેદનશીલ મુદ્દે ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે સરકાર પોતાના પ્રસ્તાવો તમામ રાજકીય પક્ષો અને રાજ્ય સરકારો સમક્ષ ખુલ્લા મૂકે. કોઈપણ સંભવિત વિશેષ સત્રમાં બિલ રજૂ કરતાં પહેલાં તમામ ભાગીદારોને દરખાસ્તોનો વિગતવાર અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. આ ઉપરાંત, કોંગ્રેસ પ્રમુખે આગામી ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી જ મહિલાઓ માટે ૩૩ ટકા (એક-તૃતીયાંશ) અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવાની પણ જોરદાર હિમાયત કરી છે.

સીમાંકનને લઈને દક્ષિણના રાજ્યોમાં પહેલેથી જ એવી આશંકા છે કે વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કરવા છતાં વસ્તી આધારિત બેઠકો વધારવાથી ઉત્તરના રાજ્યોની સરખામણીએ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી જશે. આ ભૂ-રાજકીય અને બંધારણીય અસંતુલન અટકાવવા માટે જ આગામી ક્વાર્ટર સદી સુધી બેઠકોનો આંકડો ફ્રીઝ કરવાની માંગ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ આકરા પત્ર અને સર્વપક્ષીય બેઠકની માંગણી સામે કેન્દ્ર સરકાર શું નીતિગત વલણ અપનાવે છે.

(8:04 PM IST)