<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચાલકો માટે મોટા આશ્વાસનના સમાચાર: મરાઠી ભાષા શીખવા માટે સરકારે આપ્યો આખા એક વર્ષનો સમય !

RTO ની કડક ચકાસણી અને લાયસન્સ રદ થવાના ભય વચ્ચે મુંબઈ, થાણે અને પુણેના લાખો પરપ્રાંતિય ડ્રાઇવરોને રાહત આપતા સીએમ ફડણવીસે વ્યવહારુ મરાઠી શીખવા માટે સમયમર્યાદા લંબાવી : આ સમયગાળા દરમિયાન ભાષાના મુદ્દે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય

મુંબઈ :  મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં રોજીરોટી કમાતા લાખો પરપ્રાંતિય ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે એક અત્યંત રાહતજનક નિર્ણય સામે આવ્યો છે. મરાઠી ભાષાની અચાનક શરૂ કરાયેલી કડક તપાસ અને દંડના ભય વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે આખા એક વર્ષની લંબાયેલી મુદત આપવાની જાહેરાત કરી છે. તાજેતરમાં RTO ફ્લાઇંગ સ્કવોડ દ્વારા રસ્તાઓ પર ડ્રાઇવરોની ભાષાકીય કસોટી કરીને ફટકારાયેલી નોટિસોના કારણે ભારે વિરોધ અને અસંતોષ ઊભો થયો હતો. જોકે, હવે તાત્કાલિક દંડ કે લાયસન્સ નિલંબિત થવાનો ખતરો ટળી જતાં હજારો બિન-મરાઠી ચાલકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.

સરકારે આ આદેશ સાથે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ઓટો અને ટેક્સી ચાલકોએ મરાઠી ભાષાના કોઈ મોટા વિદ્વાન કે સાહિત્યકાર બનવાની જરૂર નથી. તેમને માત્ર એટલી વ્યવહારુ કે બોલાતી મરાઠી આવડવી જોઈએ જેથી તેઓ મુસાફરો સાથે ભાડાની આપ-લે કરી શકે, રસ્તાના નિર્દેશો સમજી શકે અને દૈનિક સામાન્ય વાતચીત કરી શકે. યુનિયનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રજૂઆત કરી હતી કે આ વ્યવસાયમાં વિવિધ વયજૂથના અને ઘણા સમય પહેલા અભ્યાસ છોડી ચૂકેલા લોકો સામેલ છે. તેથી, તેમને રાતોરાત નવી ભાષા શીખવા માટે આટલો ઓછો સમય આપવો એ વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ છે, જેને સરકારે ગ્રાહ્ય રાખી છે.

પરિવહન વિભાગ હવે વિવિધ NGO અને RTO ની મદદથી ડ્રાઇવરો માટે ખાસ ભાષા તાલીમ શિબિરોનું આયોજન કરશે, જેથી તેઓ સરળતાથી વાતચીત પૂરતી મરાઠી શીખી શકે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન ભાષાના કારણે ડ્રાઇવરો સામે કોઈ દંડાત્મક પગલાં લેવામાં આવશે નહીં. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિકના સામાન્ય નિયમો, માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ અને પરમિટ જેવા જરૂરી દસ્તાવેજોની નિયમિત તપાસ પહેલાંની જેમ જ કડક રીતે ચાલુ રહેશે. આ નિર્ણયથી મુસાફરો અને ડ્રાઇવરો વચ્ચેના ભાષાકીય ઘર્ષણનો ઉકેલ આવશે તેમજ હજારો પરિવારની આજીવિકા પણ સુરક્ષિત રહેશે.

(8:05 PM IST)