<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

કેરળમાં ઓણમની ઉજવણીમાં દારૂના વેચાણનો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ: માત્ર ૮ દિવસમાં લોકો ₹૭૭૧ કરોડનો દારૂ ગટગટાવી ગયા!

દક્ષિણ ભારતના સૌથી મોટા તહેવાર દરમિયાન કેરળમાં ઉત્સવના આનંદ વચ્ચે રેકોર્ડબ્રેક દારૂનું વેચાણ નોંધાયું : એક્સાઇઝ વિભાગના મતે આ વર્ષે ઓણમ સિઝનનો કુલ આંકડો ગયા વર્ષના ₹૮૨૬ કરોડના ઓલ-ટાઇમ રેકોર્ડને પણ આરામથી પાર કરી જશે

તિરુવનંતપુરમ :  કેરળના સૌથી મોટા અને ધામધૂમથી ઉજવાતા ઓણમ પર્વ દરમિયાન આ વર્ષે દારૂના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન ના સત્તાવાર આંકડા અનુસાર, ૧૮ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીના ઓણમ તહેવારના પ્રથમ આઠ દિવસમાં જ રાજ્યમાં ₹૭૭૧ કરોડથી વધુની કિંમતનો દારૂ વેચાઈ ચૂક્યો છે. દસ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં કેરળવાસીઓ ઉજવણીના રંગમાં એવા ડૂબ્યા કે માત્ર 'ઉથ્રદમ' ના એક જ દિવસે રાજ્યભરમાં ₹૧૨૬ કરોડથી વધુનો દારૂ વેચાયો હતો, જેણે અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6) અને સ્થાનિક એક્સાઇઝ વિભાગના ડેટા દર્શાવે છે કે કેરળમાં આશરે ૫૦ થી ૬૦ લાખ લોકો દારૂનું સેવન કરે છે, જે રાજ્યની કુલ વસ્તીના અંદાજે ૧૨.૪ ટકા જેટલું પ્રમાણ છે. આ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવે તો ઓણમના માત્ર આઠ દિવસની અંદર જ દારૂ પીનારા પ્રત્યેક વ્યક્તિએ સરેરાશ ₹૧,૨૮૫ થી ₹૧,૫૪૨ સુધીનો મોટો ખર્ચ કર્યો છે. તહેવારના મુખ્ય દિવસોમાં સરકારી દારૂના આઉટલેટ્સ બહાર સવારથી જ પીરસાયેલી લાંબી લાઈનોએ રાજ્યના ઉત્સવી માહોલને એક અલગ જ ઓળખ આપી હતી.

ગયા વર્ષે સમગ્ર ઓણમ સિઝન દરમિયાન BEVCo એ કુલ ₹૮૨૬.૩૮ કરોડનો દારૂ વેચ્યો હતો. જ્યારે આ વખતે આઠ જ દિવસમાં ₹૭૭૧.૨૯ કરોડનું વેચાણ થઈ ચૂક્યું છે અને હજી બાકીના બે દિવસના આંકડા ઉમેરાવાના બાકી છે. એક્સાઇઝ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, બાકીના દિવસોની ગણતરી ઉમેરાતાં આ વર્ષનું કુલ વેચાણ ભૂતકાળના તમામ આંકડાઓને પાછળ છોડી દેશે. કેરળમાં તહેવારો ટાણે દારૂનું વેચાણ વધવું એ સામાન્ય બાબત છે, પરંતુ આ વર્ષનો આંકડો રાજ્યની તિજોરી માટે આબકારી આવકનો મોટો સ્ત્રોત સાબિત થયો છે.

(8:10 PM IST)