<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

"ત્રણ દેશો, એક જ પર્વતીય પ્રણાલી", આબોહવા પરિવર્તનના ખતરા સામે ભારત અને ચીન સાથે મળીને કામ કરે: નેપાળના નેતા રબી લામિછાનેની અપીલ

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખે હિમાલયી ક્ષેત્રની સુરક્ષા માટે ભારત અને ચીન સાથે ગાઢ સહયોગ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી સ્થાપવા પર ભાર મૂક્યો.

કાઠમંડુ : નેપાળમાં હાલમાં જ આવેલા વિનાશક પૂર અને તારાજી બાદ ત્યાંના રાજકારણમાં અને વૈશ્વિક મંચ પર આબોહવા પરિવર્તનને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. નેપાળની શાસક રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના પ્રમુખ રબી લામિછાને તાજેતરમાં કાઠમંડુ ખાતે યોજાયેલી 'NDTV વર્લ્ડ અનવીક્ષા સમિટ' ને સંબોધિત કરતી વખતે ભારત અને ચીનને આબોહવા પરિવર્તનની વધતી જતી અસરો સામે લડવા માટે નેપાળ સાથે હાથ મિલાવવા ખાસ વિનંતી કરી છે.

 

સંમેલનમાં બોલતા લામિછાનેએ ભારત, ચીન અને નેપાળને એક સૂત્રમાંા પિરોવતા જણાવ્યું હતું કે આ ત્રણેય રાષ્ટ્રો ભલે અલગ હોય, પરંતુ આપણી પર્વતીય પ્રણાલી એક જ છે અને કુદરતી આફતો ક્યારેય રાજકીય સીમાઓ જોઈને નથી આવતી. તેમણે ચેતવણી આપી હતી કે હિમાલય ક્ષેત્રમાં બદલાવની ગતિ આપણી સંસ્થાઓની કાર્યક્ષમતા કરતા પણ ઘણી ઝડપી છે. હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે અને જ્યાં બરફ હતો ત્યાં નવા તળાવો બની રહ્યા છે, જેના કારણે ગંભીર જોખમો ઊભા થયા છે.

 

આ આપત્તિજનક સ્થિતિમાંથી બહાર આવવા માટે તેમણે ત્રણેય દેશો વચ્ચે સંયુક્ત પ્રારંભિક ચેતવણી પ્રણાલી (Early Warning System) વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, "આપણે હિમનદીઓને પીગળતા અટકાવી શકીએ તેમ નથી, પરંતુ ખીણોમાં વસતા નિર્દોષ પરિવારોને તે મહત્વપૂર્ણ 20 મિનિટ આપી શકીએ છીએ, જેથી તેઓ સમયસર સુરક્ષિત સ્થળે ખસી શકે." આ ઉપરાંત, નેપાળમાં પૂરની આપત્તિ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાત્કાલિક ફોન કરીને સ્થિતિની જાણકારી મેળવવા બદલ અને બુધવારે જ રાહત સામગ્રી પહોંચાડવા બદલ તેમણે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

(9:02 PM IST)