News of Friday, 28th August 2026
૨૦૩૬ એલિમ્પિક માટે ૧૦૦થી વધુ મેડલનો ટાર્ગેટઃ નરેન્દ્રભાઈ
એલિમ્પિકની અડધી રમતોમાં ભારત ભાગ જ નથી લેતું સુધારો જરૂરી, સ્કવોશ-કુસ્તી અને વેઈટલીફટીંગ પર ફોકસ કરો મેડલની સંખ્યા વધશે, દેશમાં સ્પોર્ટસ કલ્ચર બદલાયું ખેલ હવે એકસ્ટ્રા એક્ટીવીટી નથી રહ્યો

નવી દિલ્હીઃ નેશનલ સ્પોર્ટ્સ ડેના બે દિવસ પહેલાં કાલે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેલો ઇન્ડિયા ડાયલોગ દ્વારા દેશના યંગસ્ટર્સ સાથે જોડાયા હતા. દેશનાં અલગ-અલગ સ્થળોએથી સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા, હજારો ખેલાડીઓ, વિદ્યાર્થીઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ ઇવેન્ટમાં જોડાયા હતા. નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચ દરમ્યાન મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં.
દેશનું એક કડવું સત્ય એ છે કે ઓલિમ્પિક્સમાં ઘણી બધી રમતો છે, પરંતુ ભારતીય ટીમો એમાંથી અડધામાં પણ ભાગ લેતી નથી.પેરિસ ઓલિમ્પિક્સમાં આપણે ૩૨ રમતોમાંથી ૧૬ રમતોમાં જ ભાગ લીધો હતો. આપણે મેડલ-ટેલીના મોટા ભાગ માટે પણ સ્પર્ધા કરતા નથી અને આ દાયકાઓથી ચાલી રહ્યું છે. આપણી મેડલ-ટેલી વધારવા માટે આપણે આ રમતોમાં પણ નિપુણતા પ્રાપ્ત કરવી જોઈએ.
આપણી પાસે લાંબો દરિયાકિનારો અને વિશાળ પર્વતીય ભૂપ્રદેશ છે. આપણી પાસે વોટર સ્પોર્ટ્સથી લઈને વિન્ટર રમતો સુધીની દરેક વસ્તુ માટે જરૂરી વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિઓ છે. છતાં આ રમતોમાં આપણી પાસે મજબૂત હાજરીનો અભાવ છે. તેથી આપણે આવી રમતો માટે એક ઇકોસિસ્ટમ વિકસાવવા અને એને આગળ વધારવાની સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મેં ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભારતનું રમતગમતનું વિઝન રાષ્ટ્ર સમક્ષ રજૂ કર્યું. ઑલિમ્પિક્સમાં ભારતની ભાગીદારી વધારવા માટે મેં પાંચથી ૧૫ વર્ષની વયનાં બાળકો માટે રાષ્ટ્રવ્યાપી ટેલન્ટ-હન્ટની જાહેરાત કરી હતી. એ ફક્ત મેડલ જીતવા વિશે નથી. એ વિકસિત ભારત બનાવવા માટે ભારતના રમતગમત કૌશલ્ય અને યુવા શક્તિને એકસાથે
ઉપયોગમાં લેવાનું અભિયાન છે. અમે નક્કી કર્યું છે કે ઓલિમ્પિક્સ ૨૦૩૬ માટે ભારત એવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં એ હાલમાં ભાગ લેતું નથી અથવા ક્વોલિફાય થતું નથી. અમે પ્રતિભા-શોધ અભિયાન શરૂ કરીશું. કરીઅર અને અભ્યાસના સમયપત્રકમાં હવે રમતગમત સ્થાન મેળવી રહ્યું છે. આ પરિવર્તનને કારણે જ ભારતનો રમતગમત પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યો છે. જયારે સ્કૂલો રમતગમતને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ જીવનશૈલી તરીકે જુએ છે ત્યારે રમતગમત સંસ્કૃતિનો ઉદ્વવ થાય છે.
હું માનું છું કે સ્ક્રીન કરતાં સ્પોર્ટ્સ સેન્ટર વધુ મહત્ત્વપૂર્ણ છે. પ્લેસ્ટેશન કરતાં પ્લેગ્રાઉન્ડ મહત્ત્વનાં છે. આ ત્યારે જ બનશે જ્યારે આપણા યુવાનો આ માનસિકતાને આગળ ધપાવે છે. અમારી સરકાર ભારતમાં આધુનિક, ૨૧મી સદીની રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
