News of Friday, 28th August 2026
હિમાલયની પર્વતમાળામાં ૫૨૦૦ મીટરની ઊંચાઈએથી હિમખંડનો બે-તૃતીયાંશ હિસ્સો કડાકાભેર તૂટી પડતાં ભોટેકોશી નદીમાં વિનાશક જળપ્રલયઃ સેટેલાઈટ તસવીરોથી કુદરતી આફત પાછળનું ગૂઢ રહસ્ય છતું થયું
ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે સ્પેસ ઈમેજરી દ્વારા આપત્તિનું મોનિટરિંગ કરીને ખુલાસો કર્યો કે ૧૨૦૦ મીટર સુધી નીચે ખાબકેલા બરફ અને ખડકોના પ્રચંડ ઘર્ષણે 'લિક્વિડ કન્ક્રિટ' જેવું સ્વરૂપ ધારણ કરી રસુવા જિલ્લામાં તબાહી મચાવી

કાઠમંડુ / દેહરાદૂન: નેપાળના રસુવા જિલ્લામાં તાજેતરમાં ભોટેકોશી નદીમાં આવેલી પ્રચંડ અને વિનાશકારી પૂરની હોનારતે સમગ્ર વિસ્તારમાં મોટો વિનાશ વેર્યો છે. આ જળપ્રલય પાછળનું વાસ્તવિક અને ચોંકાવનારૂં કારણ હવે ઉપગ્રહ (સેટેલાઈટ) દ્વારા લેવાયેલી છબીઓ દ્વારા સામે આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના હૈદરાબાદ સ્થિત 'નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર' (NRSC) ના વિજ્ઞાનીઓ દ્વારા સેટેલાઈટ ડેટાના ગહન વિશ્લેષણ બાદ સ્પષ્ટ થયું છે કે દરિયાઈ સપાટીથી ૫૨૦૦ મીટરની અતિશય ઊંચાઈ પર આવેલા 'લાંગતાંગ લિરુંગ' ગ્લેશિયરનો બે-તૃતીયાંશ (૨/૩) જેટલો અતિ વિશાળ ભાગ અચાનક ધસી પડતાં આ જળ-હોનારત સર્જાઈ હતી.
એનઆરએસસીના ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણના જણાવ્યા અનુસાર, ૨૬ ઓગસ્ટના રોજ સવારે ભારતીય સમયાનુસાર આશરે ૧૦:૩૦ વાગ્યે સ્પેસમાંથી મેળવવામાં આવેલી ઉપગ્રહ તસવીરોની સરખામણી આપત્તિ પહેલાંની તસવીરો સાથે કરવામાં આવી હતી. ૨૪ ઓગસ્ટના રોજ 'સેન્ટિનલ-૨' સેટેલાઈટ દ્વારા લેવાયેલી તસવીરમાં જે સ્થળે વિશાળ હિમખંડ અકબંધ દેખાતો હતો, ત્યાં ૨૬ ઓગસ્ટની 'લેન્ડસેટ-૯' ઉપગ્રહની તસવીરોમાં ગ્લેશિયરનો મોટાભાગનો હિસ્સો ગાયબ થઈ ગયેલો અને માત્ર બરફ તથા ખડકોના ભૂસ્ખલનનો પટ્ટો નોંધાયો હતો.
ગુરુત્વાકર્ષણ અને પ્રચંડ ઘર્ષણે પૂરને ઘાતક બનાવ્યું
૫૨૦૦ મીટરની ઊંચાઈએથી તૂટેલો આ હિમખંડ લગભગ ૧૨૦0 મીટર સુધી સીધો ઢાળ પર નીચે ઘસડાયો હતો. અતિશય તીવ્ર ઢોળાવ અને ગુરુત્વાકર્ષણ બળના કારણે બરફ, ખડકો અને માટી વચ્ચે પ્રચંડ ઘર્ષણ પેદા થયું હતું. જેના પરિણામે હિમખંડ પિગળીને તથા ભંગાર સાથે ભળીને એક ભારે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. આ સાઈઝના બોલ્ડર અને કાદવ નદીના પ્રવાહમાં ભળતાં નદીમાં કન્ક્રિટના પૂલ જેવું ઘટ્ટ બેસ વહેવા લાગ્યું હતું અને રસ્તામાં આવતી તમામ સંરચનાઓને તણાવીને લઈ ગયું હતું.
આ સિવાય આંતરરાષ્ટ્રીય સેટેલાઈટ એજન્સી 'પ્લેનેટ લેબ્સ' દ્વારા જારી કરાયેલી સરખામણી તસવીરોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વિસ્તારની લીલીછમ પહાડી ઢોળાવોનો મોટો હિસ્સો ભૂખરા રંગના કાંપ, ભંગાર અને કાંકરાઓથી ઢંકાઈ ગયો છે. વિજ્ઞાનીઓના પ્રારંભિક તારણ મુજબ, પહાડી પરથી તૂટી પડેલા આ કાટમાળે ભોટેકોશી નદીના સાંકડા માર્ગમાં કામચલાઉ બંધ (કૃત્રિમ તળાવ) જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી. ત્યારબાદ પાછળ જમા થયેલું લાખો લીટર પાણી અને કાટમાળ એકાએક તૂટી પડતાં નીચેના વિસ્તારોમાં પ્રચંડ પૂરનો સૈલાબ ધસી આવ્યો હતો.
આપત્તિ પૂર્વે અનુભવાયો હતો ભૂકંપ
અત્રે નોંધનીય છે કે જળપ્રલય સર્જાયાના થોડા જ કલાકો પહેલાં એટલે કે બુધવારે સવારે ભારતીય સમયાનુસાર ૮:૨૨ વાગ્યે રસુવા જિલ્લામાં ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર ઊંડે હતું. ભૂસ્તરશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ હાલ એ દિશામાં પણ ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે કે શું આ આંચકાના કારણે જ ગ્લેશિયરમાં મોટી તિરાડ પડી હતી અને તે અસ્થિર થઈને તૂટી પડ્યો હતો કે કેમ. આ સંબંધે વધુ વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસ હાલ જારી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
