News of Friday, 28th August 2026
ભોટેકોશી નદીના વિનાશક પૂર બાદ વિદેશી બચાવ ટુકડીઓ ઉતારવાની તમામ ઓફરો નેપાળે સત્તાવાર રીતે ફગાવીઃ ભારત સહિતના દેશોની મદદ લેવાનો ઈનકાર કરતાં બાલેન સરકારે સ્થાનિક દળોની સક્ષમતા પર વ્યક્ત કર્યો સંપૂર્ણ વિશ્વાસ
વર્ષ ૨૦૧૫ના ભૂકંપ સમયના કડવા અનુભવોમાંથી પાઠ ભણીને કાઠમંડુએ રિસ્ક્યુ ઓપરેશન માટે 'વન-ડોર પોલિસી' કરી લાગુઃ આંતરરાષ્ટ્રીય સ્તરેથી માત્ર રોકડ નાણાકીય સહાયતા સ્વીકારવાની સ્પષ્ટતા સાથે અનેક દેશોના ગુમ થયેલા નાગરિકો માટે ઈમરજન્સી સેલ કાર્યરત

કાઠમંડુ: હિમાલયન દેશ નેપાળના રસુવા અને આસપાસના વિસ્તારોમાં ભોટેકોશી નદીમાં આવેલા પ્રચંડ જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફત વચ્ચે અનેક દેશોના સેંકડો વિદેશી નાગરિકો અને પ્રવાસીઓ લાપતા હોવાના અહેવાલો છતાં, નેપાળ સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નયનગમ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની એનડીઆરએફ (NDRF) સહિત ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવા અનેક દેશોએ પોતાની સ્પેશિયલ ગ્રાઉન્ડ રેસ્ક્યુ ટીમો મોકલવાની ઓફર કરી હતી, પરંતુ નેપાળ સરકારે આ તમામ વિદેશી બચાવ ટુકડીઓની મદદ લેવાનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો છે.
નેપાળના ગૃહ અને વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, દેશમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા માટે નેપાળી સેના, સ્થાનિક સશસ્ત્ર પોલીસ બળ અને સ્થાનિક પ્રશાસન સંપૂર્ણપણે આત્મનિર્ભર અને સક્ષમ છે. સેના અને સુરક્ષા એજન્સીઓની ખાસ ભલામણને પગલે સરકારે આ પગલું ભર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૫ના વિનાશક ભૂકંપ સમયે અનેક દેશોની બચાવ ટુકડીઓ એકસાથે આવી જતાં સંકલન (કોઓર્ડિનેશન) જાળવવામાં અતિશય મુશ્કેલીઓ પડી હતી. તે સમયના કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને આ વખતે કોઈપણ વિદેશી રેસ્ક્યુ ટીમને જમીન પર ઉતારવા માટે લીલી ઝંડી આપવામાં આવી નથી.
સંકટ વચ્ચે 'વન-ડોર પોલિસી' અને રોકડ સહાયનો નિર્ણય
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી દળોને બચાવ કામગીરીમાં સામેલ કરવાને બદલે 'વન-ડોર પોલિસી' હેઠળ માત્ર નાણાકીય આર્થિક મદદ જ સ્વીકારવામાં આવશે. આ તમામ નાણાકીય દાન માત્ર 'પ્રધાનમંત્રી રાહત કોષ' મારફતે જ લેવામાં આવશે. યુનાઈટેડ નેશન્સ (UN), શ્રીલંકા, બ્રિટન સહિતના દેશોએ કરોડો રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે, જેને નેપાળે આવકારી છે. બીજી તરફ ભારતે પણ વાયુસેનાના ગ્લોબમાસ્ટર વિમાન મારફતે ટનબંધ આવશ્યક સામગ્રી અને રાશન સામગ્રી મોકલી આપીને માનવતાવાદી ધોરણે ટેકો પૂરો પાડ્યો છે.
લાપતા વિદેશી નાગરિકો માટે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ કાર્યરત
વિનાશક પૂરમાં ભારતના આશરે ૧૭૮થી વધુ નાગરિકો તથા ચીન, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સહિત અન્ય દેશોના મળીને કુલ ૫૦૦થી વધુ વિદેશી નાગરિકો સંપર્કવિહોણા અને લાપતા હોવાનું નોંધાયું છે. આ સ્થિતિને પહોંચી વળવા નેપાળી વિદેશ મંત્રાલય દ્વારા એક ખાસ 'ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ'ની રચના કરવામાં આવી છે. રસુવાના આપત્તિગ્રસ્ત વિસ્તારમાં અંડર-સેક્રેટરી કક્ષાના ઉચ્ચ અધિકારીને તૈનાત કરીને વિદેશી પ્રવાસીઓની શોધખોળ, માહિતીનું વેરિફિકેશન અને તેમના પરિવારજનો સુધી સચોટ વિગતો પહોંચાડવાનું કેન્દ્રીય સંકલન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
