<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

એઆઈ સેફ્ટી વિવાદ વચ્ચે અમેરિકી અદાલતનો પેન્ટાગોન સામે મોટો ચુકાદો: 'કિલોડ' બનાવનાર એન્થ્રોપિક કંપની પર મૂકેલો પ્રતિબંધ ગેરકાયદે ગણાવી ફગાવ્યો

​રાષ્ટ્રીય સુરક્ષાના નામે ટિપ્પણીઓ બદલ બદલો ન લઈ શકાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આક્રમણ ગણાવતા જજ રીટા લિને રક્ષણ આપ્યું: સંરક્ષણ મંત્રાલય દ્વારા સપ્લાય ચેઈન રિસ્ક તરીકે બ્લેકલિસ્ટ કરવાના આદેશ પર સ્ટે

​વોશિંગ્ટન ડીસી: કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ટેકનોલોજીના સૈન્ય ઉપયોગ અને સુરક્ષા નૈતિકતા બાબતે યુએસ સૈન્ય અને જાણીતી ટેક કંપનીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાની એક ફેડરલ કોર્ટે સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન)ને ભારે ઝટકો આપ્યો છે. પ્રખ્યાત એઆઈ ચેટબોટ 'ક્લોડ' (Claude) બનાવનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની 'એન્થ્રોપિક' (Anthropic)ને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવી બ્લેકલિસ્ટ કરવાના પેન્ટાગોનના આદેશ સામે સ્ટે આપતા અમેરિકી ન્યાયાધીશે આ નિર્ણયને ગેરકાયદેસર અને પાયાવિહોણો ગણાવ્યો છે.

​આ કેસની વિગતો અનુસાર, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ દ્વારા એન્થ્રોપિક કંપનીને 'નેશનલ સિક્યુરિટી સપ્લાય-ચેઈન રિસ્ક' તરીકે જાહેર કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારનો કાયદો વિદેશી દળો દ્વારા કરવામાં આવતી જાસૂસી કે નાસભાગ અટકાવવા વપરાય છે, પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ અમેરિકી ટેકનોલોજી કંપની પર આ સખત કાયદો લાદવામાં આવ્યો હતો. આ નિર્ણયના પરિણામે એન્થ્રોપિક કંપની માટે અબજો ડોલરના સરકારી અને સૈન્ય કોન્ટ્રેક્ટ મેળવવાના રસ્તા બંધ થઈ ગયા હતા.

​પેન્ટાગોન દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહી પાછળ મૂળ કારણ એઆઈના ઉપયોગ અંગેની શરતો હતી. એન્થ્રોપિક કંપનીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું કે તેઓ તેમના 'ક્લોડ' એઆઈ મોડેલનો ઉપયોગ સૈન્ય દ્વારા નાગરિકોની જાસૂસી કરવા કે સ્વાયત્ત હથિયારો (ઓટોનોમસ વેપન્સ) બનાવવા માટે કરવા દેશે નહીં. કંપનીનું માનવું હતું કે હાલની એઆઈ ટેકનોલોજી યુદ્ધક્ષેત્રે મરીન કે લશ્કરી ઓપરેશનમાં સ્વાયત્ત રીતે નિર્ણય લેવા જેટલી સુરક્ષિત અને વિશ્વાસપાત્ર નથી.

​આ મુદ્દે મડાગાંઠ સર્જાતા સંરક્ષણ મંત્રાલયે કંપની પર સપ્લાય ચેઈન જોખમનું લેબલ લગાવી દીધું હતું, જેની સામે એન્થ્રોપિક કંપનીએ કેલિફોર્નિયાની ફેડરલ અદાલતમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે પેન્ટાગોને તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને વ્યાજબી સુનાવણી વિના જ એકતરફી રીતે શિક્ષાત્મક પગલું ભર્યું છે.

​કેસની સુનાવણી દરમિયાન અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ રીટા લિને 59 પૃષ્ઠના પોતાના વિસ્તૃત ચુકાદામાં સરકારની કડક ટીકા કરી હતી. જજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના નામે સરકાર સામે અવાજ ઉઠાવનાર કે નીતિઓની ટીકા કરનાર કંપનીઓ સામે બદલાની કાર્યવાહી કરવાનો પાવર સંરક્ષણ મંત્રાલય પાસે નથી. અદાલતે આદેશમાં નોંધ્યું કે, "રાષ્ટ્રીય સુરક્ષાનો પાયાવિહોણો ઉલ્લેખ એ સરકારી આલોચકો સામે દંડનીય કે બદલાલક્ષી પગલાં લેવા માટેનો ખુલ્લો પરવાનો બની શકતો નથી." અદાલતે આ કાર્યવાહીને અમેરિકી બંધારણના પ્રથમ સુધારા (ફર્સ્ટ એમેન્ડમેન્ટ) હેઠળ મળેલા અભિવ્યક્તિના અધિકાર પર હુમલો ગણાવ્યો હતો.

​અદાલતના આ નિર્ણયનું સ્વાગત કરતા એન્થ્રોપિક કંપનીએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર સાથે સહયોગ કરવા સદૈવ તૈયાર છે, પરંતુ એઆઈ સેફ્ટી અને નાગરિકોના અધિકારો સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. બીજી તરફ, ન્યાય મંત્રાલયે એવી દલીલ કરી હતી કે સૈન્ય વપરાશ માટે શરતો દૂર કરવાનો કંપનીનો ઇનકાર લશ્કરી કામગીરી દરમિયાન જોખમ ઊભું કરી શકે છે.

​ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા છતાં સંરક્ષણ મંત્રાલય અને એઆઈ કંપનીઓ વચ્ચેનો કાનૂની જંગ હજુ પૂર્ણ થયો નથી. વોશિંગ્ટન ડીસીની અન્ય એક અદાલતમાં પણ નાગરિક સરકારી કોન્ટ્રેક્ટ્સ સંદર્ભે પેન્ટાગોનના આદેશ સામે એન્થ્રોપિકનો કેસ ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમે આધુનિક યુદ્ધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સીમાઓ અને ટેકનોલોજી સેક્ટર પર સરકારના અંકુશ અંગે વૈશ્વિક સ્તરે નવી ચર્ચા જગાવી છે.

(1:14 PM IST)