<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નેપાળની દુર્ઘટના વચ્‍ચે ભૂકંપે ચીનને હચમચાવ્‍યું: તિબેટમાં ચાલી રહેલા બચાવ કાર્યને અટકાવાયું

તિબેટ-નેપાળ સીમા પર નદીઓમાં ઘોડાપૂરઃ ચીને બચાવ ટુકડીઓને ઘટનાસ્‍થળેથી ૧ કિમી પાછળ ખસવા આદેશ આપ્‍યો

બીજિંગ, તા.૨૮: નેપાળ અને તિબેટની સરહદી સીમા પર કુદરતી હોનારતે ભારે વિનાશ વેતર્યો છે. સરહદી વિસ્‍તારમાં આવેલી રાસુવા નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને પહાડી વિસ્‍તારોમાં થયેલા ભૂસ્‍ખલનથી બંને દેશોમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ દુર્ઘટનાઓનો ભય હજુ ટળ્‍યો નથી ત્‍યાં જ પડોશી દેશ ચીનના સિચુઆન પ્રાંતમાં ૫.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચાઇના અર્થક્‍વેક નેટવર્ક્‍સ સેન્‍ટર ના જણાવ્‍યા અનુસાર, ભૂકંપના આંચકાના કારણે સ્‍થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે.

તિબેટ-નેપાળ સરહદ નજીક ચોચેન નદી અને પુરપુ ત્‍સાંગપો નદીના સંગમ સ્‍થળે ભૂસ્‍ખલનના કારણે કુદરતી રીતે બનેલું એક મોટું તળાવ ફાટવાની આશંકા ઉભી થઈ છે. પૂરના પાણીનો વધુ એક ભારે પ્રવાહ નીચે તરફ ધસી આવવાના ભયને પગલે ચીની સત્તાવાળાઓએ તિબેટના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ રાહત અને બચાવ કામગીરી તાત્‍કાલિક અસરથી સ્‍થગિત કરી દીધી છે. ‘અલ જઝીરા'ના અહેવાલ મુજબ, પૂર અને ભૂસ્‍ખલનના કારણે હજુ પણ સેંકડો લોકો ગુમ છે, પરંતુ સુરક્ષાના કારણોસર ચીની સરકારે બચાવ ટીમોને ઘટનાસ્‍થળથી ઓછામાં ઓછું એક કિલોમીટર દૂર ખસી જવા આદેશ આપ્‍યો છે.

ચીન તરફથી આવનારા સંભવિત પૂરના પાણીના પ્રવાહને ધ્‍યાનમાં રાખીને નેપાળ વહીવટીતંત્રે નીચાણવાળા અને નદી કિનારાના વિસ્‍તારોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. નેપાળી સત્તાવાળાઓએ લોકોને તેમની દુકાનો અને રોજગાર ધંધા બંધ કરી સુરક્ષિત સ્‍થળે ખસી જવા અને અત્‍યંત સતર્ક રહેવા માટે સૂચના આપી છે. કુદરતી આપત્તિઓના આ સિલસિલાએ સમગ્ર સરહદી વિસ્‍તારમાં ભારે અફરાતફરી અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.

(3:04 PM IST)