<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

7 લોક કલ્યાણ માર્ગ ખાતે પીએમ મોદીનો દિલ જીતી લેતો સ્નેહ ઉત્સવ: શાળાના બાળકો સાથે વડાપ્રધાને ઉજવ્યું રક્ષાબંધન, ટાબરિયાંઓએ બાંધ્યું રક્ષાસૂત્ર : જુઓ વિડીયો

પીએમ મોદીએ માસૂમ બાળકો સાથે હાઈ-ફાઈવ આપી હળવી ક્ષણો વિતાવી; 'સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું આ પવિત્ર બંધન સદા અતૂટ રહે' દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ.

નવી દિલ્હી તા.28: પવિત્ર રક્ષાબંધનના પર્વ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક અત્યંત સુંદર અને વાત્સલ્યસભર માહોલ જોવા મળ્યો હતો. દેશભરની વિવિધ શાળાઓમાંથી આવેલા નાના-નાના ભૂલકાંઓ સાથે પીએમ મોદીએ રક્ષાબંધન પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સ્કૂલના બાળકોએ પરંપરાગત રીતે દેશના વડાપ્રધાનના કાંડે રક્ષાસૂત્ર (રાખડી) બાંધીને તેમના સ્વાસ્થ્ય અને દર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

આ ઉજવણી દરમિયાન પીએમ મોદી બાળકો સાથે એકદમ સહજ બનીને હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યા, હાઈ-ફાઈવ આપી અને માસૂમ વાતો પર ખડખડાટ હસી પડ્યા હતા. વડાપ્રધાને તમામ બાળકોને સ્નેહપૂર્વક આશીર્વાદ આપ્યા હતા અને તેમના અભ્યાસ તેમજ ભવિષ્ય વિશે વાતો કરી હતી. નાના ભૂલકાંઓ પણ દેશના વડાપ્રધાનને પોતાની સામે જોઈને અત્યંત રોમાંચિત અને ખુશ જણાતા હતા.

આ યાદગાર ક્ષણોની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં પીએમ મોદીએ લખ્યું, "7 લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની કેટલીક અવિસ્મરણીય ક્ષણો. આ પવિત્ર તહેવાર આપણા સમાજમાં સ્નેહ, સદ્ભાવના અને પરસ્પર વિશ્વાસના કાયમી બંધનને વધુ ગાઢ બનાવે અને દરેક નાગરિકના જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ સફળતા લાવે તેવી મારી હૃદયપૂર્વકની કામના છે."

ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધનનું આત્મિય મહત્વ છે. આજના યુગમાં આ તહેવાર માત્ર સગા ભાઈ-બહેન પૂરતો સીમિત ન રહેતા સમગ્ર સમાજ અને દેશને એકતાના તાંતણે બાંધવાનું એક દિવ્ય પ્રતીક બની ગયો છે.

(4:38 PM IST)