News of Friday, 28th August 2026
નેપાળની દર્દનાક પૂર હોનારત પર પૂર્વ IPS કિરણ બેદીની ઊંડી ચિંતા: "ચીનની લાલચ અને ઉતાવળની ભારે કિંમત ચૂકવી રહ્યું છે નેપાળ"
હિમાલયન ઝોનમાં ચાઇનાના અવિચારી કન્સ્ટ્રક્શન, પર્માફ્રોસ્ટ સાથેની છેડછાડ અને અમલદારોના બિનઆયોજિત નિર્ણયોએ કુદરતી આફત નોતરી; ગ્લોબલ વોર્મિંગ સામે હવેથી વર્ષભર આપત્તિ વ્યવસ્થાપન જ એકમાત્ર રસ્તો.

નવી દિલ્હી તા.28: મધ્ય નેપાળમાં તાજેતરમાં જ આવેલા વિનાશક અચાનક પૂર (Flash Floods) ના કારણે મૃત્યુઆંક 469 પર પહોંચી ગયો છે. આ કાળજું કંપાવી દેનારી હોનારત પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા દેશની પ્રથમ મહિલા IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ ચીન અને બિનકાર્યક્ષમ અમલદારશાહી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હિમાલય જેવા અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં ચીનની પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવાની ઉતાવળ અને ગેરકાનૂની છેડછાડનું પરિણામ આજે નેપાળના નિર્દોષ લોકોએ ભોગવવું પડી રહ્યું છે.
કિરણ બેદીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, હિમાલય ક્ષેત્રમાં ચીન પોતાના રોડ, રેલ્વે, હાઇવે, ટનલ અને એરપોર્ટના નિર્માણ માટે ‘પર્માફ્રોસ્ટ’ (જમીનની નીચે કાયમ થીજી ગયેલી માટી) ની ગંભીરતા સમજવામાં સાવ નિષ્ફળ ગયું છે. આ થીજેલી માટી જમીન અને હિમનદીઓને તેના સ્થાને પકડી રાખે છે. આબોહવા પરિવર્તનના કારણે હવે આ પર્માફ્રોસ્ટ ઓગળી રહ્યો છે, જેના લીધે ચીને બનાવેલા વિશાળ માળખાઓના પાયા ગમે ત્યારે ધરાશાયી થવાના આરે છે. અમલદારો પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું, "જે અધિકારીઓ સાદા શહેરોનું યોગ્ય આયોજન કરી શકતા નથી, તેઓ હિમાલય જેવા જટિલ અને નાજુક માળખાં માટે કઈ રીતે યોજના બનાવી શકે?"
આ કુદરતી આફતો સામે ગંભીર ચેતવણી આપતા પૂર્વ IPS અધિકારીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ, વધતી વસ્તી અને મનુષ્યની લોભવૃત્તિને કારણે માનવતા મોટા જોખમમાં મૂકાઈ છે. હવે સમય આવી ગયો છે કે હિમાલયની આસપાસના તમામ દેશોએ એક થઈને કુદરત સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ. આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર ઘટના બન્યા પછી કરવાનો બચાવકાર્યનો વિષય નથી, પરંતુ તે વર્ષના 365 દિવસ જાગ્રત રહેવાની સંસ્કૃતિ બનવી જોઈએ.
આપણી આદતો અને વિચારસરણીમાં ફેરફાર કરવાની અપીલ કરતા તેમણે લોકોને ડરવાને બદલે સતર્ક અને તૈયાર રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં હવામાનની આટલી કટોકટી જ કદાચ સામાન્ય બાબત બની જશે, તેથી આપણે અત્યારથી જ અનુકૂળ થવું અને એકબીજાની મદદ કરવી અનિવાર્ય છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
