<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભારતીય સેનાની તાકાતમાં થશે અપ્રતિમ વધારો: અમેરિકા પાસેથી વિશ્વની સૌથી વિધ્વંસક 'જેવેલિન' એન્ટી-ટેન્ક મિસાઇલ ખરીદશે ભારત

યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કરી મોટી જાહેરાત; 'ફાયર એન્ડ ફોરગેટ' ટેકનોલોજી અને ટોપ-એટેક મોડથી સજ્જ આ યુદ્ધ-પ્રમાણિત ઘાતક હથિયાર દુશ્મનની ટેન્કોને ક્ષણવારમાં કરી દેશે છીન્નભિન્ન.

નવી દિલ્હી તા.28: સરહદો પર દુશ્મન દેશોની વધતી ચંચળતા અને બખ્તરબંધ વાહનોના સંભવિત પડકારો સામે ભારતીય સેનાને વધુ મજબૂત કરવા માટે ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારત હવે વિશ્વભરમાં પોતાની વિધ્વંસક ક્ષમતા માટે જાણીતી અમેરિકન 'જેવેલિન' (Javelin) એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ ખરીદવા જઈ રહ્યું છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે શુક્રવારે આ અંગેની જાહેરાત કરતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

અમેરિકાની અગ્રણી સંરક્ષણ કંપનીઓ લોકહીડ માર્ટિન અને RTX દ્વારા વિકસાવવામાં આવેલી આ જેવેલિન મિસાઇલ મુખ્યત્વે સૈનિકો દ્વારા ખભા પર રાખીને સરળતાથી દાગી શકાય તેવું અત્યાધુનિક હથિયાર છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત તેની 'ફાયર એન્ડ ફોરગેટ' (Fire and Forget) ટેકનોલોજી છે. એટલે કે, એકવાર લક્ષ્ય પર લૉક કરીને મિસાઇલ છોડ્યા પછી સૈનિકે તેને ગાઇડ કરવાની જરૂર રહેતી નથી અને તે સુરક્ષિત રીતે પોતાની જગ્યા બદલી શકે છે. ઉપરાંત, આ મિસાઇલ 'ટોપ-એટેક' મોડ ધરાવે છે, જેના દ્વારા તે દુશ્મન ટેન્કની સૌથી ઉપરની અને નબળી સપાટી પર સીધો સચોટ પ્રહાર કરીને તેનો નાશ કરે છે.

યુક્રેન યુદ્ધમાં રશિયન ટેન્કો સામે પોતાની અજોડ શક્તિ સાબિત કરી ચૂકેલી આ મિસાઇલ ભારતની દુર્ગમ સરહદો પર તૈનાત પાયદળ (Infantry) માટે ગેમ-ચેન્જર સાબિત થશે. હિમાલય જેવા પહાડી વિસ્તારો તેમજ મુશ્કેલ ભૂપ્રદેશોમાં ભારતીય જવાનો ભારે શસ્ત્રો વિના પણ દુશ્મનની વિશાળ ટેન્કોનો સામનો કરવા સક્ષમ બનશે.

ભારત અને યુએસ વચ્ચે વધતા સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જોકે આ સોદાની કિંમત કે મિસાઇલોની ચોક્કસ સંખ્યા હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આ અત્યાધુનિક સિસ્ટમના આગમનથી ભારતીય સશસ્ત્ર દળોની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

(4:41 PM IST)