હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ પોલીસની સરકારી કારમાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવનાર યુવકની કરતૂત વાયરલ: ‘ડેડીઝ હોમ’ મ્યુઝિક પર સ્ટંટ કરતાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
ડ્રાઇવર સીટ પર બેસીને ફોટોશૂટ કરાવનાર વિજય હરિજન નામના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મચ્યો ખળભળાટ; કાયદાના રક્ષકોના વાહન સુધી પહોંચ કેવી રીતે મળી તે મુદ્દે તપાસ શરૂ.

મુંબઈ તા.28: સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો હવે કાયદો અને વ્યવસ્થાની મર્યાદાઓ પણ ઓળંગી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક યુવક કથિત રીતે મુંબઈ પોલીસના સરકારી વાહનમાં ઘૂસીને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતો હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વાયરલ ક્લિપમાં વિજય હરિજન તરીકે ઓળખાતો યુવક પોલીસની એસયુવી કાર પાસે જઈને અંદર બેસે છે, સ્ટીયરિંગ વ્હીલ પકડીને અલગ-અલગ પોઝ આપે છે અને બેકગ્રાઉન્ડમાં "ડેડીઝ હોમ" મ્યુઝિક વાગી રહ્યું છે.
આ વીડિયો @harijan6282 નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો, જેને લઈને યુઝર્સ પોલીસની બેદરકારી સામે તીખા પ્રહારો કરી રહ્યા છે. એક સામાન્ય નાગરિક, જે પોલીસ વિભાગનો હિસ્સો નથી, તે ખાખી વર્ધીના સત્તાવાર વાહનમાં આટલી આસાનીથી કેવી રીતે ઘૂસી શકે? શું કારની ચાવીઓ અંદર જ રહી ગઈ હતી કે પછી કોઈ અધિકારીની મહેરબાની હતી? તેવા અનેક પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. જોકે, વિવાદ વધતાં જ આ રીલ એકાઉન્ટ પરથી ડીલીટ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના વાહનની સુરક્ષામાં ચૂક થવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ મુંબઈના કોસ્ટલ રોડ પર એક માથાભારે ચાલકે પોલીસની જ ગાડી ચોરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે ઘટનામાં ચાવી વાહનમાં જ રહી ગઈ હોવાથી ચોર પોલીસની ગાડી લઈને ભાગ્યો હતો અને અનેક વાહનો તેમજ ડિવાઈડર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનાના અઠવાડિયાની અંદર જ રીલ બનાવવાનો આ નવો વિવાદ સામે આવતા મુંબઈ પોલીસની ઈમેજને ભારે ધક્કો પહોંચ્યો છે. હાલ તો વાયરલ વીડિયો ક્યાંનો છે અને તે યુવક સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
