<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રક્ષાબંધન પર્વે સંચાર મંત્રાલયમાં અનોખી ઉજવણી: ટપાલ વિભાગની મહિલા કર્મચારીઓએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના કાંડે બાંધ્યું રક્ષાસૂત્ર

પર્યાવરણ-અનુકૂળ અને હસ્તકલાથી બનેલી રાખડીઓ સાથે ગુના અને દિલ્હીની પોસ્ટવુમનોએ મંત્રી નિવાસસ્થાને કરી સ્નેહસભર ઉજવણી; સિંધિયાએ બહેનોના યોગદાનને બિરદાવ્યું.

નવી દિલ્હી તા.28: પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે દિલ્હીમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયના પરિસરમાં અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસસ્થાને એક અત્યંત પ્રેરણાદાયી અને પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટપાલ વિભાગ (Department of Posts)ની મહિલા કર્મચારીઓ અને દેશના ખૂણે-ખૂણેથી નાગરિકોની સેવા કરતી 'પોસ્ટવુમન' બહેનોએ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાખડી બાંધીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.

રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ મધ્યપ્રદેશના ગુના સંસદીય ક્ષેત્ર સહિત દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવેલી ટપાલ વિભાગની મહિલા કર્મચારીઓ નવી દિલ્હી ખાતેના મંત્રીશ્રીના નિવાસસ્થાને પહોંચી હતી. તેમણે પોતાના હાથે બનાવેલી અને પર્યાવરણને અનુકૂળ (Eco-Friendly) રાખડીઓ મંત્રીશ્રીના કાંડા પર બાંધીને આશીર્વાદ આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ પણ તમામ બહેનો સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત કરી હતી અને તેમની સાથે આવેલા નાના બાળકોને લાડ લડાવીને સ્નેહ, આદર અને ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધને વધાવ્યો હતો.

આ યાદગાર ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું હતું કે, "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણી દેશની બહેનો હવે તમામ જૂની માનસિકતા અને બંધનો તોડીને સફળતાના ઉચ્ચ શિખરો સર કરી રહી છે અને અજોડ ઉદાહરણ પૂરું પાડી રહી છે."

શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઉજવાતો આ તહેવાર માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ સમાજ અને દેશની અવિરત સેવા કરતાં ટપાલ કર્મચારીઓ જેવા કર્મયોગીઓના અદ્ભુત યોગદાનને બિરદાવવાની એક સુંદર તક પણ પૂરી પાડે છે.

(4:42 PM IST)