News of Friday, 28th August 2026
શેરબજારમાં શ્વાસ અધ્ધર કરતી અસ્થિરતા: BSEના ક્લોઝિંગ સત્રમાં સેન્સેક્સ મિનિટોમાં 2,200 પોઈન્ટ ગગડ્યા બાદ રિકવર, ઓપ્શનમાં 5 મિનિટમાં પૈસા 44 ગણા થયા!
SEBIની નવી ‘ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ’ અને માસિક એક્સપાયરીના દિવસે ટ્રેડિંગના અંતિમ મિનિટોમાં મોટો ધડાકો; SEBI માર્કેટ મોનિટરિંગ કરી જરૂર પડ્યે ફેરફાર કરવા તૈયાર.

મુંબઈ તા.28: ભારતીય શેરબજારમાં ટ્રેડિંગના અંતિમ કલાકમાં એક એવો અભૂતપૂર્વ અને રોમાંચક દ્રશ્ય જોવા મળ્યો જેને જોઈને અનુભવી ટ્રેડર્સ પણ દંગ રહી ગયા હતા. BSE પર બંધ હરાજી સત્ર (Closing Auction Session - CAS) દરમિયાન સેન્સેક્સમાં તીવ્ર ઉથલપાથલ નોંધાઈ હતી. ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટની માસિક સમાપ્તિ અને નવી ક્લોઝિંગ મિકેનિઝમની જાહેરાત વચ્ચે બપોરે 3:18 થી 3:23 વાગ્યાની વચ્ચે માત્ર 5 જ મિનિટમાં સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ નીચે પટકાઈ ગયો હતો અને ત્યારબાદ આગામી ક્ષણોમાં જ 2,000 પોઈન્ટથી વધુનો અકલ્પનીય સુધારો દર્શાવ્યો હતો.
આ અસાધારણ વોલેટિલિટી એટલી તીવ્ર હતી કે ટ્રેડર્સ માટે કમાણીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. સેબીના રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ વિભોર વાર્શ્નેએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, "જે રોકાણકારે બપોરે 3:15 વાગ્યે સેન્સેક્સ 76500 PE ઓપ્શનમાં ₹1 લાખ રોક્યા હશે અને 3:20 વાગ્યે પોઝિશનમાંથી બહાર નીકળી ગયા હશે, તેમણે માત્ર 5 મિનિટમાં ₹44 લાખની કમાણી કરી લીધી! આ ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમની તાકાત છે." અંતે સેન્સેક્સ 539 પોઈન્ટના ઘટાડા સાથે 76,934 પર અને નિફ્ટી 117 પોઈન્ટ ઘટીને 24,091 ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ હરાજીના સમયગાળા દરમિયાન દેશના દિગ્ગજ શેરોમાં ભારે વેચવાલી અને ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સનો સૌથી મોટો વજન ધરાવતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક મિનિટોમાં ₹1,280થી ઘટીને ₹1,250 પર પહોંચ્યા બાદ સુધારીને ₹1,288 પર બંધ થયો હતો. આ સિવાય HDFC બેંક, ITC અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી હતી.
સેબી (SEBI) દ્વારા 3 ઓગસ્ટના રોજ રજૂ કરાયેલી આ નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ (CAS)નો મુખ્ય હેતુ છેલ્લી ઘડીના ઓર્ડર દ્વારા થતી ગેરરીતિઓ અટકાવવાનો અને પારદર્શિતા વધારવાનો છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, "આ એક મહત્વપૂર્ણ બજાર માઇક્રોસ્ટ્રક્ચર સુધારો છે જે વિશ્વના મોટા બજારોમાં કાર્યરત છે. સેબી હાલમાં બજારના પ્રતિસાદ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને જો જરૂર જણાશે તો આ માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે."
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
