News of Friday, 28th August 2026
ભારતનો આર્થિક વિકાસ વાસ્તવિક કે કૃત્રિમ? વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીનની આંકડાકીય ચેતવણી: "સબસિડી, ટેક્સ છૂટ અને વિદેશી દેવાની વિઝિબિલિટીથી દોડી રહ્યું છે બજાર"
NSE 200 કંપનીઓની આવકમાં 12%નો ઉછાળો છતાં ચોખ્ખો નફો માત્ર 7-8% વધ્યો; આગામી સમયમાં પે કમિશન અને સરકારી નાણાકીય બોજ બજેટીય મૂડી ખર્ચ (Capex) પર મોટી બ્રેક લગાવી શકે છે.

નવી દિલ્હી તા.28: વૈશ્વિક બ્રોકરેજ ફર્મ 'બર્નસ્ટીન' (Bernstein) દ્વારા ભારતીય અર્થતંત્ર અને કોર્પોરેટ ગ્રોથ પર એક ચોંકાવનારો સ્ટ્રેટેજી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતનો હાલનો આર્થિક અને કોર્પોરેટ વિકાસ કોઈ વાસ્તવિક ઉત્પાદકતા ક્ષમતા કે ટેકનોલોજીકલ પ્રગતિથી નહીં, પરંતુ સરકારી સબસિડી, રાજકોષીય મદદ અને વિદેશી ડોલર ઉધાર (Offshore Dollar Borrowing) જેવા કૃત્રિમ ટેકાઓથી ચાલી રહ્યો છે. બ્રોકરેજે રોકાણકારોને સાવચેત કરતા જણાવ્યું છે કે, નીતિગત અથવા સરકારી સહાયથી મળતી ક્ષણિક મજબૂતીને રોકાણકારો લાંબા ગાળાની સ્થિરતા માનવાની ભૂલ ન કરે, અને આ જ કારણોસર તેમણે નિફ્ટી માટે 26,000નો ટાર્ગેટ જાળવી રાખીને ભારતીય શેરબજાર પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.
જૂન ક્વાર્ટરના તાજેતરના કોર્પોરેટ પરિણામો દર્શાવે છે કે, NSE 200 કંપનીઓની આવકમાં વાર્ષિક ધોરણે 12%નો નોંધપાત્ર વધારો થયો છે, જે છેલ્લા 10 ક્વાર્ટરમાં સૌથી મોટો ઉછાળો છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આ કંપનીઓનો કર પછીનો ચોખ્ખો નફો માત્ર 7-8%ના દરે જ વધી શક્યો છે. તે સિવાય ખોટ કરી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને ગણતરીમાંથી બહાર રાખીને કમાણીના આંકડા સુધારવાનો પ્રયાસ કરાયો છે. રિપોર્ટ મુજબ, OMC એ માત્ર એક ક્વાર્ટરમાં જ $2 બિલિયનનું નુકસાન વેઠ્યું છે, જ્યારે સરકારે LPG અને ખાતર સબસિડી તેમજ એક્સાઇઝ ડ્યૂટીમાં છૂટછાટ આપીને વધારાનો $8-10 બિલિયનનો નાણાકીય બોજ પોતે ઉઠાવ્યો છે.
ગ્રાહક આધારિત કંપનીઓ માટે પણ સ્થિતિ ચિંતાજનક છે. બર્નસ્ટીનના સર્વે અનુસાર, 78% કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવા માટે સક્ષમ નથી અને ભાવ વધારવાનું ટાળી રહી છે. જોકે, સપ્ટેમ્બર 2025 માં સરકારે આપેલા GST ઘટાડાથી ભારતીય ઘરો પાસે $20 બિલિયનથી વધુની વધારાની ખરીદ શક્તિ આવી હતી, જેણે કામચલાઉ ધોરણે ગ્રાહક માંગને પકડી રાખી હતી, પરંતુ હવે તે અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે.
આગામી સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના પે કમિશન (વેતન સુધારણા)થી બજારમાં વાર્ષિક $50 બિલિયનથી વધુનું વિવેકાધીન ફંડ આવશે જે ખરીદી વધારશે ખરી, પરંતુ સામે સરકારી તિજોરી પર ભારે બોજ નાખશે. પરિણામે, સરકાર માટે દેશના માળખાકીય વિકાસ માટે જાહેર મૂડી ખર્ચ (Capital Expenditure) અને અન્ય કલ્યાણકારી યોજનાઓને જાળવી રાખવી અત્યંત મુશ્કેલ બની રહેશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
