હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને વિદેશ મંત્રાલયના તાત્કાલિક હસ્તક્ષેપથી મોટી સફળતા: તિબેટના સાગામાં અટવાયેલા ૩૭ ભારતીય યાત્રાળુઓ સુરક્ષિત રીતે કાઠમંડુ પહોંચ્યા
કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહેલા થાણે, પુણે અને રાયગઢના શ્રદ્ધાળુઓ માર્ગ બંધ થતાં ફસાયા હતા; ન્યાલમ ચેકપોઇન્ટ મારફતે વિશેષ વ્યવસ્થા કરી સુરક્ષિત રવાના કરાયા.

નવી મુંબઈ તા.28: નેપાળ અને તિબેટ સરહદી વિસ્તારોમાં ખરાબ હવામાન અને પૂર-ભૂસ્ખલનની સ્થિતિ વચ્ચે કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા મહારાષ્ટ્રના ૩૭ યાત્રાળુઓ માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. તિબેટના સાગા (Saga) વિસ્તારમાં ફસાયેલા આ તમામ શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) ના સમયસરના હસ્તક્ષેપને પગલે શુક્રવારે સવારે ન્યાલમ ચેકપોઇન્ટ દ્વારા સુરક્ષિત રીતે નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચી ગયા છે.
અહેવાલો મુજબ, થાણે, પુણે, અલીબાગ, ડોમ્બિવલી અને રાયગઢ જિલ્લાના આ યાત્રાળુઓએ કૈલાશ માનસરોવર દર્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. પરંતુ પરત ફરતી વખતે સરહદી વિસ્તારમાં રસ્તાઓ બંધ થઈ જતાં તેઓ સાગા ખાતે અટવાઈ પડ્યા હતા. આ યાત્રાળુઓની કાઠમંડુથી ભારત પરત ફરવાની ફ્લાઇટ ૨૯ ઓગસ્ટના રોજ બપોરે ૨ વાગ્યે નિર્ધારિત હોવાથી, તેમનું સમયસર કાઠમંડુ પહોંચવું અત્યંત જરૂરી બન્યું હતું.
યાત્રાળુઓની ગંભીર પરિસ્થિતિ ધ્યાને આવતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો અને ભારતીય કૂટનીતિક ચેનલો મારફતે ચાઇનીઝ અને નેપાળી અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના સલામત માર્ગ માટે વિશેષ મંજૂરી મેળવી હતી.
મુખ્યમંત્રીના આ ત્વરિત કદમ બાદ શુક્રવારે સવારે ૬ વાગ્યે તમામ ૩૭ યાત્રાળુઓને ન્યાલમ ચેકપોઇન્ટથી કાઠમંડુ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર નીકળ્યા બાદ તમામ શ્રદ્ધાળુઓએ મુખ્યમંત્રી ફડણવીસ, મહારાષ્ટ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હવે આ તમામ યાત્રાળુઓ શનિવારે બપોરે કાઠમંડુથી ભારત પરત આવવા માટે રવાના થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
