<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ઈમરાન ખાનની તબીબી સારવાર અને સુરક્ષા માટે ક્રિકેટ જગત એકજૂથ: ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર સહિત ૨૧ ભૂતપૂર્વ સુકાનીઓએ પાકિસ્તાન સરકાર પાસે કરી માંગ

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને મહાન ક્રિકેટર ઈમરાન ખાન સાથે ગૌરવપૂર્ણ વર્તનની માંગ; શેહબાઝ શરીફને પત્ર લખી યોગ્ય મેડિકલ તપાસ અને પરિવાર સાથે મુલાકાત ચાલુ રાખવા આહ્વાન.

ઇસ્લામાબાદ તા.28: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ૧૯૯૨ વર્લ્ડ કપ વિજેતા સુકાની ઈમરાન ખાનની જેલમાં કથળતી જતી તંદુરસ્તી અને સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન પેટ કમિન્સ હવે ભારત અને અન્ય દેશોના મહાન ભૂતપૂર્વ સુકાનીઓ સાથે જોડાતાં પાકિસ્તાન સરકાર સમક્ષ ઈમરાન ખાનને યોગ્ય તબીબી માનવતાવાદી સારવાર આપવાની જોરદાર માંગ કરી છે.

 

ગ્રેગ ચેપલ દ્વારા ઈમરાન ખાનની સ્થિતિ અંગે શેર કરવામાં આવેલા વિડિયો પર પ્રતિક્રિયા આપતાં ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, "હું ગ્રેગ ચેપલ અને અન્ય ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોના આ કાર્યને મારો સંપૂર્ણ ટેકો આપું છું. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા જે તબીબી મૂલ્યાંકનનો આદેશ આપવામાં આવ્યો છે તેનું પાલન થાય અને પરિવારની મુલાકાતો ચાલુ રહે તેવી આશા છે. દરેક વ્યક્તિ ગૌરવપૂર્ણ વર્તનનો હકદાર છે અને ઈમરાન ખાન સાથે પણ એવું જ વર્તન થવું જોઈએ."

 

ઈમરાન ખાનની કથળતી જતી તંદુરસ્તી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ન થવાની આશંકાઓ વચ્ચે વિશ્વના ૨૧ દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફને એક સંયુક્ત અપીલ પત્ર લખ્યો છે. આ પત્ર પર સહી કરનારાઓમાં ભારત તરફથી કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર જેવા મહાન ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિવાય માઈકલ આથર્ટન, એલન બોર્ડર, ઈયાન ચેપલ, એડમ ગિલક્રિસ્ટ, સર એલિસ્ટર કૂક, સ્ટીવ વો અને જોન રાઈટ જેવા વૈશ્વિક ક્રિકેટના મોટા નામો પણ આ અભિયાનમાં જોડાયા છે.

 

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ આ ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો હતો. પરંતુ તાજેતરમાં જેલમાં ઈમરાન ખાનને અપાઈ રહેલી મેડિકલ સુવિધાઓ પૂરતી ન હોવાની અને સુપ્રીમ કોર્ટના આદેશોનું સંપૂર્ણ પાલન ન થવાની ચિંતા ઊભી થતાં આ વિશ્વવિખ્યાત ખેલાડીઓએ ફરી એકવાર માનવતા અને ખેલદિલીના ધોરણે અવાજ ઉઠાવ્યો છે.

(6:02 PM IST)