<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂનો ભયાનક પંજો: H1N1 વાયરસના કેસો વધતાં સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ; ઓગસ્ટ મહિનામાં જ નોંધાયા સૌથી વધુ ૫૫ દર્દીઓ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂનો આંકડો ૧૪૬ પર પહોંચ્યો; દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને પગલે રાજસ્થાન આરોગ્ય વિભાગ તકેદારીના મોડમાં.

જયપુર : દેશની રાજધાની દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં ઇન્ફ્લુએન્ઝા અને સ્વાઈન ફ્લૂના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજસ્થાન તબીબી અને આરોગ્ય વિભાગે સમગ્ર રાજ્યમાં H1N1 વાયરસને લઈને હાઈ એલર્ટ જારી કરી દીધું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૬ થી અત્યાર સુધીમાં રાજસ્થાનમાં H1N1 પોઝિટિવના કુલ ૧૪૬ કેસો નોંધાઈ ચૂક્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ચાલુ ઓગસ્ટ મહિનામાં જ સ્વાઈન ફ્લૂના ૫૫ કેસો સામે આવ્યા છે, જે આ વર્ષનો સૌથી ઊંચો માસિક આંકડો છે.

 

વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસારે રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને સંભવિત દર્દીઓની ત્વરિત તપાસ, સચોટ સારવાર અને ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક રેફરલ માટે સજ્જ રહેવા કડક સૂચનાઓ આપી છે. મહિનાવાર આંકડાઓ દર્શાવે છે કે જાન્યુઆરીમાં ૨ અને ફેબ્રુઆરીમાં ૩ કેસથી શરૂ થયેલો આ સિલસિલો માર્ચમાં ૨૦, એપ્રિલમાં ૨૨, મેમાં ૨૫, જૂનમાં ૧૪, જુલાઈમાં ૫ અને ઓગસ્ટમાં સીધો ૫૫ પર પહોંચી ગયો છે.

 

તબીબી અને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ગાયત્રી રાઠોડે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવાથી આરોગ્ય તંત્રની તૈયારીઓ વધુ મજબૂત કરવામાં આવી છે. જોકે, તેમણે રાહત વ્યક્ત કરતાં કહ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અહેવાલ મુજબ રાજ્યમાં H1N1 નો કોઈ નવો કે વધુ ઘાતક વેરિયન્ટ જોવા મળ્યો નથી; હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે અગાઉના વર્ષો જેવો સામાન્ય વાયરસ જ છે.

 

આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કેસોની સંખ્યા વધવાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સંપૂર્ણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના તબીબનો સંપર્ક કરીને સારવાર શરૂ કરવી જોઈએ.

(7:07 PM IST)