<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક ઢળી પડ્યા તબીબ: આસામમાં એસોસિયેટ પ્રોફેસરનું કથિત હાર્ટ એટેકથી કરુણ મોત, ભયાનક લાઈવ CCTV વીડિયો વાયરલ

નાગાંવ મેડિકલ કોલેજના ડૉ. સાહિન રહેમાન કસરત કરતી વખતે અચાનક બેભાન થઈ જમીન પર પટકાયા; હોસ્પિટલમાં મૃત જાહેર કરાતાં ચકચાર.

ગુવાહાટી : આસામમાંથી એક અત્યંત આંચકાજનક અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં જીમમાં રોજિંદુ વર્કઆઉટ કરી રહેલા એક જાણીતા તબીબનું અચાનક ઢળી પડતાં કરુણ મોત નીપજ્યું છે. મૃતક તબીબની ઓળખ ડૉ. સાહિન રહેમાન તરીકે થઈ છે. વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડવાની આ આખી ઘટના જીમમાં લાગેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે, જેનો આંચકાજનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

મળતી વિગતો અનુસાર, ડૉ. રહેમાન આસામની પ્રખ્યાત નાગાંવ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NMCH) માં કોમ્યુનિટી મેડિસિન વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ बजाવતા હતા. સાંજે આશરે ૭:૩૬ વાગ્યે તેઓ જીમમાં સામાન્ય રીતે કસરત કરી રહ્યા હતા અને શરૂઆતમાં તેમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હોય તેવું લાગતું નહોતું. પરંતુ અચાનક જ તેઓ ધીમા પડ્યા હતા અને શ્વાસ રૂંધાતા હોય તેમ જમીન પર ઢળી પડ્યા હતા.

 

જીમમાં હાજર અન્ય લોકો તાત્કાલિક તેમની મદદ માટે દોડી ગયા હતા અને તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું મૃત્યુ હાર્ટ એટેક અથવા હૃદય સંબંધિત કોઈ ગંભીર સમસ્યાના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે મૃત્યુના ચોક્કસ કારણની પુષ્ટિ માટે તપાસ ચાલી રહી છે.

 

નિષ્ણાતોના મતે, નિયમિત કસરત સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, પરંતુ કેટલીકવાર અચાનક પડતા અતિશય શારીરિક તાણને કારણે રક્તપ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. એક કાર્યરત તબીબના જ આ રીતે જીમમાં ઢળી પડવાથી તબીબી આલમ અને સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

(7:13 PM IST)