<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જમ્મુના ૧૫ વર્ષીય અર્જુનવીર સિંહે રચ્યો નવો ઇતિહાસ: સંસ્કૃત ક્ષેત્રે વિશિષ્ટ સન્માન મેળવનાર પ્રથમ શીખ યુવાન બન્યા

શ્રી કૈલાખ જ્યોતિષ અને વૈદિક સંસ્થાન ટ્રસ્ટ દ્વારા 'સિદ્ધિ પુરસ્કાર'થી નવાજાયા; ૧૧મા ધોરણના વિદ્યાર્થીના દેવનાગરી લિપિ પરના સંશોધન પત્રની સ્ટેનફોર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીના વિદ્વાનોએ કરી મુક્તકંઠે પ્રશંસા.

જમ્મુ : જમ્મુના ધોરણ ૧૧માં અભ્યાસ કરતા ૧૫ વર્ષીય પ્રતિભાશાળી વિદ્યાર્થી અર્જુનવીર સિંહે પરંપરા, શૈક્ષણિક પ્રતિભા અને યુવા નિશ્ચયનો અદ્ભુત સમન્વય સર્જીને ઇતિહાસ રચ્યો છે. સંસ્કૃત ભાષાના અભ્યાસ, ઊંડાણપૂર્વકના સંશોધન અને પ્રચાર-પ્રસાર પ્રત્યેના અસાધારણ સમર્પણ બદલ સન્માનિત થનારા તેઓ પ્રથમ શીખ યુવાન બન્યા છે. તેમની આ અભૂતપૂર્વ સિદ્ધિએ દેશભરના યુવાનો માટે એક નવો દાખલો બેસાડ્યો છે.

 

સંસ્કૃત દિવસના પવિત્ર અવસર પર, શ્રી કૈલાખ જ્યોતિષ અને વૈદિક સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અર્જુનવીર સિંહને સંસ્કૃત અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ 'સિદ્ધિ પુરસ્કાર' અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર ૧૫ વર્ષની નાની વયે અર્જુનવીરે દેવનાગરી લિપિ પર લખેલો સંશોધન પત્ર પ્રતિષ્ઠિત 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ લેંગ્વેજ એન્ડ લિટરેચર સાયન્સ'માં પ્રકાશિત થયો છે, જેને વૈશ્વિક સ્તરે સ્ટેનફોર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્વાનો તરફથી પણ ભારે સરાહના સાંપડી છે.

 

ટ્રસ્ટના પ્રમુખ મહંત રોહિત શાસ્ત્રીએ અર્જુનવીરની આ ઉપલબ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર એક ભાષા નથી પણ ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરા, ફિલસૂફી અને આધ્યાત્મિક વારસાનો મજબૂત પાયો છે. આજના આધુનિક યુગમાં એક સિક યુવાન સંસ્કૃતિ અને સંસ્કૃતને સંશોધનનો વિષય બનાવે તે અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

 

સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભાવુક થયેલા અર્જુનવીર સિંહે મહંત રોહિત શાસ્ત્રીને પોતાના "દ્રોણાચાર્ય" ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ૫મા ધોરણમાં હતા ત્યારે મહંતજીના સંસ્કૃત પુસ્તકોએ તેમનામાં આ પ્રાચીન ભાષા પ્રત્યે જિજ્ઞાસા જગાડી હતી. તેમણે ઉમેર્યું કે આ સન્માન તેમના માટે માત્ર ગર્વની વાત નથી, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરાને વધુ ઊંડાણપૂર્વક શીખીને આધુનિક યુગના વધુને વધુ યુવાનો સુધી પહોંચાડવાની એક મોટી જવાબદારી પણ છે.

(7:16 PM IST)