<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નવી મુંબઈમાં હડકંપ: ઝેરોક્સની દુકાનેથી હજારો SIR ફોર્મ્સ મળતાં શિવસેના (UBT) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બબાલ!

થાણેના ખારઘરમાં ફોટોકોપી કઢાવતી વખતે ભાજપ યુવા મોરચાના હોદ્દેદારને પકડી પાડ્યાનો ઠાકરે જૂથનો દાવો; પોલીસ મથકેથી આરોપી ફરાર થયાના આક્ષેપથી ખળભળાટ

થાણે : નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં શુક્રવારે એક હાઈ-ડ્રામા સર્જાયો હતો. એક ઝેરોક્સની દુકાનમાંથી શંકાસ્પદ રીતે હજારોની સંખ્યામાં પ્રિન્ટ કરેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ફોર્મ્સ મળી આવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે શિવસેના (UBT) અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

 

સેના (UBT) નો ભાજપ પર ગંભીર આક્ષેપ

ઠાકરે જૂથના કાર્યકરોએ દાવો કર્યો હતો કે ભાજપની યુવા પાંખનો એક પદાધિકારી ઝેરોક્સની દુકાનમાં કથિત એસઆઈઆર ફોર્મ્સની ફોટોકોપી કઢાવી રહ્યો હતો, ત્યારે જ તેને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખારઘર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ થાળે પાડીને દુકાનમાંથી હજારોની સંખ્યામાં છપાયેલા SIR ફોર્મ્સ જપ્ત કર્યા હતા.

 

પોલીસ સ્ટેશનેથી આરોપી નાસી છૂટ્યો?

પોલીસે કસ્ટડીમાં લેવાયેલા ભાજપના પદાધિકારીને પૂછપરછ માટે ખારઘર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જોકે, શિવસેના (UBT) ના કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ પદાધિકારી પોલીસ સ્ટેશનમાંથી જ નાસી છૂટ્યો છે. હાલ પોલીસ તેની શોધોખોળ ચલાવી રહી છે. નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(8:00 PM IST)