<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

મોદી પછી યોગી? બ્રિટિશ અખબારના અહેવાલે ઉત્તરાધિકારની ચર્ચાને ફરી વેગ આપ્યો

ઉત્તર પ્રદેશમાં સતત ત્રીજી જીત મળે તો યોગી રાષ્ટ્રીય નેતૃત્વના પ્રબળ દાવેદાર બની શકે : ફાઇનાન્શિયલ ટાઇમ્સે યોગીને માત્ર ‘સંભવિત ઉત્તરાધિકારી’ ગણાવ્યા; સંઘ કે ભાજપે નામ નક્કી કર્યાનો કોઈ ઉલ્લેખ નહીં

લંડન/નવી દિલ્હીઃ  બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંભવિત ઉત્તરાધિકારીઓ પૈકીના એક ગણાવ્યા છે. જોકે, સંઘ અને ભાજપે યોગીનું નામ નક્કી કરી લીધું હોવાનો વાયરલ દાવો આ અહેવાલમાં  નથી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વના પ્રબળ દાવેદાર બની શકે છે તેવી ચર્ચાને બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલથી ફરી વેગ મળ્યો છે.
૧૯ ઑગસ્ટે પ્રકાશિત અહેવાલનું મથાળું હતું—‘મોદીના ઉત્તરાધિકારી બની શકે તેવા હિન્દુ સંન્યાસી’. અહેવાલમાં યોગી આદિત્યનાથને મોદીના નિશ્ચિત ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા નથી. તેમાં માત્ર એવી રાજકીય શક્યતા વ્યક્ત કરાઈ છે કે વર્ષ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં યોગી સતત ત્રીજી વખત વિજય મેળવે તો તેઓ મોદીના સંભવિત ઉત્તરાધિકારીઓની પ્રથમ હરોળમાં આવી શકે છે.
અહેવાલમાં યોગીની સાધુ જીવનશૈલી, વહેલી સવારથી શરૂ થતી દિનચર્યા, વહીવટી કાર્યપદ્ધતિ, કાયદો અને વ્યવસ્થા અંગેની કડક છબી, વિકાસ યોજનાઓ તથા જનસંપર્કની રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક અનામી વરિષ્ઠ સરકારી અધિકારીએ યોગીને મોદીની પ્રતિબિંબ સમાન છબી ધરાવતા નેતા ગણાવ્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
બીજી તરફ, અહેવાલમાં યોગી સરકારની નીતિઓ, લઘુમતી સમુદાય સંબંધિત તેમના નિવેદનો અને બુલડોઝર કાર્યવાહીને લઈને થયેલી ટીકાનો પણ ઉલ્લેખ છે. યોગીએ કલ્યાણકારી યોજનાઓના અમલમાં કોઈ ભેદભાવ થતો હોવાના આરોપો નકાર્યા છે.
અહેવાલ પ્રમાણે યોગી હાલમાં પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા અંગે જાહેરમાં બોલતા નથી અને પોતાને વડાપ્રધાન મોદીના વફાદાર સહયોગી તરીકે રજૂ કરે છે. વર્ષ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં તેમનું પ્રદર્શન તેમના રાષ્ટ્રીય રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે છે.
દરમિયાન સામાજિક માધ્યમોમાં કરવામાં આવી રહેલા દાવા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે યોગીને મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી લીધા છે, પરંતુ ફાઇનાન્શિયલ ટાઇમ્સના મૂળ અહેવાલમાં આવું ક્યાંય લખાયું નથી. મોદી-શાહની ઊલટી ગણતરી શરૂ થવા, મોદીને માર્ગદર્શક મંડળમાં મોકલવા અથવા ગડકરીને બાજુએ કરવાની વાયરલ વાતો પણ મૂળ અહેવાલનો ભાગ નથી, ફેક છે.

(8:16 PM IST)