<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સુદાનમાં લોહિયાળ ખેલ: ડ્રોન હુમલાથી સળગ્યું ઉત્તર કોર્ડોફાન ક્ષેત્ર, ઘાયલોની મદદે દોડેલા લોકો પર ફરી હુમલો થતાં ૮ નાગરિકોના દર્દનાક મોત

માનવાધિકાર સંગઠને આ ઘટનાને ગણાવ્યું યુદ્ધ અપરાધ; ગૃહયુદ્ધની આગમાં હોમાયેલા સુદાનમાં ડ્રોન હુમલા બન્યા નાગરિકો માટે મોતનું સૌથી મોટું કારણ

નવી દિલ્હી : આફ્રિકી દેશ સુદાનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ક્રૂર ઘટના સામે આવી છે. સુદાનના ઉત્તર કોર્ડોફાન ક્ષેત્રના રણ વિસ્તારમાં આવેલા સૌદારી શહેરમાં થયેલા ભીષણ ડ્રોન હુમલામાં ૮ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માનવાધિકાર સંગઠન 'ઇમરજન્સી લોયર્સ' દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ, આ હુમલાની ક્રૂરતાની હદ તો ત્યારે વટાઈ ગઈ જ્યારે પીડિતોની મદદે દોડી આવેલા અન્ય લોકો પર પણ જાણી જોઈને બીજું ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

 

સ્વતંત્ર સંસ્થાઓએ આઘાત વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઘાયલો અને મદદગારોને નિશાન બનાવીને હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સીધું ઉલ્લંઘન અને ગંભીર યુદ્ધ અપરાધ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૨૩થી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને દેશની સેના વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષ અને ગૃહયુદ્ધને કારણે સુદાનની જનતા નરકયાતના ભોગ બની રહી છે. સંઘર્ષ દેખરેખ સંસ્થાઓના આંકડા મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૯,૦00 થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જો કે વાસ્તવિક મૃત્યુઆંક આના કરતા ઘણો વધારે હોવાની આશંકા છે.

 

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલ મુજબ હાલ સુદાનમાં નાગરિકોના મોતનું મુખ્ય કારણ ડ્રોન હુમલા બની ગયા છે, જે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં જ કુલ નાગરિક મૃત્યુના ૮૦ ટકા હિસ્સા માટે જવાબદાર છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા આ ડ્રોન યુદ્ધમાં સામાન્ય અને નિર્દોષ નાગરિકો રોજબરોજ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

 

(8:33 PM IST)