હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં જિયોનો ઐતિહાસિક ધમાકો: સેબીએ આપી જિયોના મેગા IPO ને લીલી ઝંડી!
દરેક ₹૧૦ ની ફેસ વેલ્યુવાળા ૨૭૦ મિલિયન નવા શેર્સ જારી કરીને મૂડી એકત્ર કરશે જિઓ : કોઈ પ્રમોટર હિસ્સો નહીં વેચે

મુંબઈ: ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી વધુ પ્રતિક્ષિત એવા જિયો પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત મેગા આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ ડિજિટલ અને કનેક્ટિવિટી ક્ષેત્રની હોલ્ડિંગ કંપનીએ નિયમનકારી મંજૂરી મેળવીને શેરબજારમાં લિસ્ટિંગ તરફનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરી લીધું છે. આ મંજૂરી બાદ દેશ અને દુનિયાના રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, જિયો પ્લેટફોર્મ્સ ₹૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા મહત્તમ ૨૭૦ મિલિયન (૨૭ કરોડ) નવા ઇક્વિટી શેર જારી કરીને ફંડ એકત્ર કરશે. આ આઈપીઓની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 'ઓફર ફોર સેલ' (OFS) નો કોઈ ઘટક રાખવામાં આવ્યો નથી, એટલે કે પ્રમોટર્સ કે હાલના શેરધારકો પોતાનો હિસ્સો વેચશે નહીં પરંતુ સમગ્ર રકમ કંપનીના ભવિષ્યના વિકાસ માટે ઉપયોગમાં લેવાશે. શેરની પ્રાઇસ બેન્ડ અને એકત્રિત કરવામાં આવનાર કુલ રકમ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૫ માં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ જિયોના લિસ્ટિંગ અંગેની જાહેરાત કરી હતી, જે હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરી રહી છે. મુકેશ અંબાણીના જણાવ્યા મુજબ, જિયોનું આ લિસ્ટિંગ વૈશ્વિક સ્તરે સાબિત કરશે કે ભારત વિશ્વ કક્ષાની તકનીકી અને મૂલ્ય ધરાવતી કમ્યુનિકેશન કંપનીઓ બનાવી શકે છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થવાના છે, જે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં નવો ઈતિહાસ રચે તેવી પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
