હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં પ્રલયનો કાળો શુક્રવારઃ મૃત્યુઆંક ૬૦૦ની નજીક, ૧,૯૨૪ લોકોનો હજુ પત્તો નથી; ૧૦૧ ઘાયલો હોસ્પિટલોમાં: કાદવ - કાટમાળમાં જીવ શોધતી બચાવ ટુકડીઓ
ભોટેકોશી-ત્રિશૂલી ખીણમાં વિનાશનો અંત દેખાતો નથીઃ ૩૨૦ ભારતીયો સંપર્કવિહોણા, ચીન તરફ આશરે ૪૦૦ ભારતીયો અટવાયા, સુરક્ષિત: ૪૦૦ કન્ટેનર ટ્રક પૂરમાં વહી ગયા છે: નેપાળ ટ્રક કન્ટેનર વ્યવસાયી સંઘ મુજબ, ૪૦૦થી વધુ ડ્રાઈવરો ઉપરાંત ક્લીનર, મજૂરો અને કસ્ટમ એજન્ટોનો કોઈ પત્તો નથી: રસુવા, નુવાકોટ, ધાદિંગથી ચિતવન સુધી વિનાશનો પટ્ટો; ૪,૪૫૧થી વધુ લોકોનું રેસ્ક્યૂ, ૧૫ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ મેદાનમાં : નવા બેરિયર લેકના જોખમથી બચાવ કામગીરી વચ્ચે વચ્ચે અટકાવવી પડી

કાઠમંડુ : નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી અને ત્યારબાદ ત્રિશૂલી નદીમાં આવેલા વિનાશક અચાનક પૂરની હોનારત દિવસેને દિવસે વધુ ભયાનક બની રહી છે. નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા તથા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આજે શુક્રવાર, ૨૮ ઓગસ્ટે સાંજે ૭ વાગ્યા સુધી જાહેર કરાયેલા તાજા સત્તાવાર આંકડા મુજબ નેપાળમાં ૫૭૯ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૧,૯૨૪ લોકો હજુ સંપર્કવિહોણા છે. ગુમ થયેલાઓમાં ૫૧૭ વિદેશી નાગરિકો અને જળવિદ્યુત પ્રોજેક્ટો સાથે સંકળાયેલા ૯૩૩ લોકોનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ મંત્રાલય મુજબ ૩૨૦ ભારતીય નાગરિકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી.
રસુવા સ્થિત ભોટેકોશી અને ત્રિશૂલી નદી કોરિડોરમાં આવેલા પૂરમાં કન્ટેનર પરિવહન વ્યવસાયને ભારે ફટકો પડ્યો છે. તહેવારો માટે માલસામાન લેવા રસુવાગઢી-કેરુંગ નાકા પર પહોંચેલા ૪૦૦થી વધુ કન્ટેનર ટ્રક પૂરમાં વહી ગયા છે. નેપાળ ટ્રક કન્ટેનર વ્યવસાયી સંઘ મુજબ, 400થી વધુ ડ્રાઈવરો ઉપરાંત ક્લીનર, મજૂરો અને કસ્ટમ એજન્ટો સહિત 1000થી વધુ લોકો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શકતો નથી. ભોટેકોશી અને ત્રિશૂલી નદી કિનારે આવેલા રસુવાગઢી, ટિમુરે અને ત્રિશૂલી બજાર જેવા ધમધમતા વિસ્તારો કાટમાળ અને કાદવ નીચે દબાઈને સંપૂર્ણ વેરાન બની ગયા છે. કાઠમંડુમાં હાઈવે સુમસામ બન્યા છે
નેપાળના હિમાલયી વિસ્તારમાં બુધવારે સવારે ત્રાટકેલા વિનાશક અચાનક પૂરે હવે અભૂતપૂર્વ માનવીય આપત્તિનું સ્વરૂપ ધારણ કર્યું છે. શરૂઆતમાં મૃત્યુઆંક અને ગુમ લોકોના આંકડા ઝડપથી બદલાતા રહ્યા હતા, પરંતુ આજે શુક્રવાર સાંજના સત્તાવાર અપડેટમાં નેપાળ સરકારે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં ૫૭૯ મૃતદેહ મળી આવ્યા છે અને ૧,૯૨૪ લોકો હજુ સંપર્કવિહોણા છે.
જિલ્લાવાર સૌથી વધુ ૨૩૩ મૃતદેહ ચિતવનમાંથી મળ્યા છે. નાવલપરાસી પૂર્વમાં ૧૫૪, ગોરખામાં ૪૬, ધાદિંગમાં ૪૦, નુવાકોટમાં ૩૭, તનહૂંમાં ૩૦, નાવલપરાસી પશ્ચિમમાં ૨૭ અને રસુવામાં ૧૨ મૃતદેહ મળ્યા છે.
આપત્તિ પ્રાધિકરણ મુજબ ઓછામાં ઓછા ૧૦૧ ઘાયલો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે અને વિશેષ સર્જિકલ તબીબી ટીમોને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતારવામાં આવી છે.
ભોટેકોશીમાંથી ધસી આવેલો પાણી, બરફ, પથ્થર અને કાદવનો પ્રચંડ પ્રવાહ ત્રિશૂલી નદીના પટ્ટામાં આગળ વધતાં રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને દક્ષિણ તરફના અનેક વિસ્તારોમાં ગામો, બજારો, રસ્તાઓ, પુલો તથા જળવિદ્યુત યોજનાઓને ભારે નુકસાન થયું છે. કેટલાંક સ્થળે નદીકાંઠાની આખી વસાહતો કાટમાળના મેદાનમાં ફેરવાઈ ગઈ છે. નુવાકોટમાં અનેક મકાનો જાડા કાદવ અને કાટમાળ નીચે દટાઈ ગયાં હોવાનું સ્થળ પરથી આવેલા અહેવાલોમાં જણાવાયું છે.
નેપાળના સત્તાવાર તાજા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં આશરે ૪,૪૫૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને શોધ-બચાવ કામગીરીમાં ૧૫ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ જોડાયા છે. દુર્ગમ ભૂગોળ, તૂટી ગયેલા રસ્તા-પુલો અને ઊંડા કાદવને કારણે ઘણી જગ્યાએ હેલિકોપ્ટર જ એકમાત્ર સહારો બન્યાં છે.
આ હોનારત વચ્ચે ઉપરવાસમાં કાટમાળથી બનેલા કુદરતી ‘બેરિયર લેક’ નવી ચિંતાનું કારણ બન્યા છે. શુક્રવારે એક તળાવમાંથી પાણી છલકાવાની જાણ થતાં રસુવા વિસ્તારમાં હેલિકોપ્ટર સહિતની બચાવ કામગીરી આશરે દોઢ કલાક માટે રોકવી પડી હતી અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ઊંચી જગ્યાએ જવાની સૂચના આપવામાં આવી હતી. જોખમ થોડું ઘટતાં બચાવ કામગીરી ફરી શરૂ કરાઈ, પરંતુ બે ઉપરવાસી તળાવો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ હોનારતનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ હજી તપાસ હેઠળ છે. ઉપલબ્ધ ઉપગ્રહ અને નિષ્ણાત વિશ્લેષણમાં હિમનદીનો મોટો ભાગ, બરફ-ખડકો તથા ભૂસ્ખલન તૂટી પડવાથી પાણીનો પ્રવાહ રોકાઈ તાત્કાલિક તળાવ રચાયું અને ત્યારબાદ તેનો વિનાશક પ્રવાહ નીચે ધસી આવ્યો હોવાની શક્યતા મજબૂત બની છે. શરૂઆતમાં નોંધાયેલું ૫.૨ તીવ્રતાનું સિગ્નલ ભૂકંપ હોવાની ચર્ચા થઈ હતી, પરંતુ વૈજ્ઞાનિકો હવે મોટા બરફ-ખડક ધસારા સાથે તેનો સંબંધ તપાસી રહ્યા છે.
૩૨૦ ભારતીયો હજુ સંપર્કવિહોણા: ભારત માટે સૌથી મોટી ચિંતા હજુ લાપતા ભારતીયોની છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે ૩૨૦ ભારતીય નાગરિકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. આ ઉપરાંત ભારતીય મૂળના આશરે ૧૦૦ લોકો પણ સંપર્કવિહોણા હોવાનું જણાવાયું છે, જોકે તેઓ અન્ય દેશોની નાગરિકતા ધરાવતા હોઈ શકે છે અને કેટલાક કૈલાસ-માનસરોવર યાત્રા સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે.
ચીન તરફ અટવાયેલા આશરે ૪૦૦ ભારતીયો સુરક્ષિત હોવાનું ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. તેમાંના ૯૬ ભારતીયો જમીન માર્ગે ચીનમાંથી નેપાળમાં પ્રવેશી શક્યા છે. તામિલનાડુના ૨૧ ભારતીયોને નેપાળી સેનાની મદદથી બહાર કાઢ્યા બાદ દિલ્હી પહોંચાડવામાં આવ્યા છે.
ભારતે આપત્તિના પ્રથમ દિવસથી રાહત સામગ્રી મોકલવાનું શરૂ કર્યું હતું. પ્રથમ વિમાનમાં ૧૦ ટન અને બીજા વિમાનમાં ૩૭.૫ ટન સામગ્રી મોકલવામાં આવી. શુક્રવારે ત્રીજી ખેપ પણ મોકલવામાં આવી, જેમાં પોર્ટેબલ જનરેટર, ખાદ્ય સામગ્રી, પાણી શુદ્ધિકરણ ગોળીઓ, દવાઓ અને જરૂરી કિટનો સમાવેશ હતો. સાથે તબીબી અને તકનિકી ટીમો પણ મોકલવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાઓએ પણ નેપાળ સરકારના નેતૃત્વ હેઠળ રાહત કામગીરી શરૂ કરી છે.
ઓછામાં ઓછા ૯૩ હજાર લોકોને તાત્કાલિક સહાયની જરૂર હોવાનું આંતરરાષ્ટ્રીય રેડક્રોસનું મૂલ્યાંકન છે, જ્યારે હજારો બાળકો માટે ખોરાક, પીવાનું પાણી, આરોગ્ય સેવા અને આશ્રયની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રે તાત્કાલિક ભંડોળ મુક્ત કર્યું છે અને વિવિધ દેશોએ પણ નાણાકીય તથા સામગ્રી સહાય જાહેર કરી છે.
રાત્રે ઉપલબ્ધ છેલ્લામાં
છેલ્લી સત્તાવાર સ્થિતિ
નેપાળમાં મૃતઃ ૫૭૯
નેપાળમાં સંપર્કવિહોણા/ગુમઃ ૧,૯૨૪
ગુમ થયેલાઓમાં વિદેશીઓઃ ૫૧૭
ભારતીય નાગરિકો સંપર્કવિહોણાઃ ૩૨૦
ઘાયલ અને સારવાર હેઠળઃ ૧૦૧
બચાવાયેલા લોકોઃ આશરે ૪,૪૫૧
શોધ-બચાવમાં સુરક્ષાકર્મીઃ ૧૫ હજારથી વધુ
નોંધનીય છે કે ચીનના તિબેટ વિસ્તારમાં અલગથી પાંચ મૃત્યુ અને ૫૫૮ લોકો ગુમ હોવાના અહેવાલ છે. એટલે નેપાળનો સત્તાવાર મૃત્યુઆંક ૫૭૯ છે; નેપાળ અને તિબેટ બંનેને ભેગા ગણીએ તો હાલ ઓછામાં ઓછા ૫૮૪ મૃત્યુ થાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
