<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

૮૦ વર્ષનાં લીલાવતી દેઢિયાએ નોંધાવી ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં હેટ્રિક

૧૮૦ તિરંગા બનાવીને ૩૩૦ મહિલા કલાકારો સાથે અનોખો વિશ્વવિક્રમ બનાવ્‍યો

મુંબઈ,તા.૨૯: ઉંમર માત્ર એક આંકડો છે અને જો ઉત્‍સાહ હોય તો કોઈ પણ ઉંમરે ઇતિહાસ રચી શકાય છે. આ  વાત મુલુંડ-વેસ્‍ટમાં રહેતાં ૮૦ વર્ષનાં લીલાવતી દેઢિયાએ સાબિત કરી બતાવી છે. તાજેતરમાં તામિલનાડુના ‘મનોવિકાસ મહિલામંચ' દ્વારા વિશાખાપટનમમાં ઊનની ગૂંથણ-કળા એટલે કે ક્રોશેથી ફલેગ્‍સ બનાવવાનો એક અનોખો વર્લ્‍ડ રેકોર્ડ બન્‍યો જેમાં ૩૩૦થી વધુ મહિલા-કલાકારો સાથે લીલાવતીબહેન અને તેમની દોહિત્રી કૃષ્‍મિ પણ સામેલ હતાં. લીલાવતીબહેન આ પહેલાં પણ બે વાર ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં પોતાનું નામ દર્જ કરાવી ચૂક્‍યાં છે. એ રીતે આ તેમના વિશ્વવિક્રમની હેટ-ટ્રિક હતી.

આ ઐતિહાસિક પ્રસંગમાં લીલાવતીબેન સાથે તેમની દીકરીની દીકરી કૃષ્‍મિ શીલા જિતેશ કાકુએ પણ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. લીલાવતીબહેન કહે છે, ‘આ પહેલાં પણ ચેન્નઈની બીજી એક સંસ્‍થા સાથે જોડાઈને ૨૦૧૯માં સ્‍કાર્ફ બનાવવાનો વર્લ્‍ડ રેકોર્ડ હતો જેમાં પણ મેં ભાગ લીધો હતો. એ પછી ૨૦૨૨માં અને હવે આ ત્રીજો વિશ્વવિક્રમ હતો. વિશાખાપટનમ બેઝ્‍ડ ‘મનોવિકાસ મહિલામંચ' દ્વારા અમને ઊનનો દોરો આપવામાં આવ્‍યો હતો જેથી બધા કલર્સ સરખા રહે. લગભગ એક મહિનામાં જ મેં ૬ બાય ૯ ઇંચના ૧૮૦ તિરંગા ઝંડા બનાવ્‍યા હતા.'

અહીં ઉલ્‍લેખનીય છે કે નાનીમાથી પ્રેરાઈને તેમની દોહિત્રી પણ ક્રોશે કામ શીખી છે અને તેણે પણ આ વિશ્વવિક્રમમાં ભાગ લીધો હતો. વિશાખાપટનમમાં ૪૫,૪૬૦થી વધુ તિરંગાઓને જોડીને ૧૨.૧૮ કિલોમીટરથી પણ વધુ લાંબી સાંકળ તૈયાર કરીને નારીશક્‍તિ અને એકતાનું અદ્વુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્‍યું હતું જેમાં આ નાની-દોહિત્રીની હિસ્‍સેદારી હતી

(3:03 PM IST)