News of Saturday, 29th August 2026
ટ્રમ્પનો નવો વિવાદ: સોશિયલ મીડિયા પર પોતાની જાતને જાહેર કર્યા ‘સૌથી મહાન’ રાષ્ટ્રપતિ, ઓબામા અને બિડેનને ગણાવ્યા નિષ્ફળ!
૧૯૪૮ના ‘લાઈફ’ મેગેઝિનના ચાર્ટમાં ફેરફાર કરીને પોતાની માટે ‘ધ ગ્રેટેસ્ટ’ કેટેગરી બનાવી : લિંકન અને વોશિંગ્ટન જેવા મહાન નેતાઓને પોતાનાથી નીચે મૂકતાં અમેરિકી રાજકારણમાં ગરમાવો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત ચોંકાવનારી અને ચર્ચાસ્પદ પોસ્ટ શેર કરી છે. ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિઓની એક રેટિંગ યાદી પોસ્ટ કરી છે, જેમાં તેમણે કોઈ પણ સંકોચ વગર પોતાની જાતને અમેરિકાના ઇતિહાસના "સૌથી મહાન" (ધ ગ્રેટેસ્ટ) રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા છે. આ યાદીમાં તેમણે પોતાના માટે એક ખાસ અલગ શ્રેણી બનાવી છે, જ્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ બરાક ઓબામા અને જો બિડેનને "નિષ્ફળતાઓ" (ફેલ્યોર્સ) ની સૌથી નીચી શ્રેણીમાં ધકેલી દીધા છે. ટ્રમ્પની આ આત્મ-પ્રશંસા અને વિરોધીઓ પરના સીધા પ્રહાર બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની સખત ટીકા કરી રહ્યા છે.
આ વાયરલ યાદીમાં અમેરિકન રાષ્ટ્રપતિઓને છ જુદી જુદી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે: ધ ગ્રેટેસ્ટ, ગ્રેટ, નિયર ગ્રેટ, એવરેજ, બિલો એવરેજ અને ફેલ્યોર્સ. ટ્રમ્પે અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ જેવા દેશના નિર્માતાઓને પણ પોતાનાથી એક સ્ટેપ નીચે એટલે કે 'ગ્રેટ' શ્રેણીમાં રાખ્યા છે. આ સિવાય બિલ ક્લિન્ટનને 'એવરેજ' ગણાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે, ટ્રમ્પે શેર કરેલો આ ફોટો વર્ષ ૧૯૪૮માં 'લાઈફ' (LIFE) મેગેઝિન દ્વારા પ્રકાસિત ૫૫ વિશ્લેષકોના સર્વેનું એક ફેબ્રિકેટેડ અને એડિટ કરેલું વર્ઝન છે, જેમાં તેમણે પોતાની મરજી મુજબ ફેરફારો કરીને વિરોધીઓને ટાર્ગેટ કર્યા છે.
રસપ્રદ વાત એ છે કે આ યાદીમાંથી ટ્રમ્પે દેશના ઘણા મહત્વના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને સાવ ગાયબ જ કરી દીધા છે. જોન એફ. કેનેડી, રોનાલ્ડ રીગન, રિચાર્ડ નિક્સન અને બંને બુશ (જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ અને જ્યોર્જ ડબલ્યુ. બુશ) જેવા દિગ્ગજોનો આ યાદીમાં કોઈ ઉલ્લેખ જ નથી. થોડા દિવસો પહેલા જ તેમણે જ્યોર્જ ડબલ્યુ. બુશની અફઘાનિસ્તાન નીતિની ટીકા કરી હતી અને રીગનની પ્રશંસા કરી હતી, પરંતુ નવી યાદીમાંથી તેમને પણ બહાર કરી દીધા છે. ટ્રમ્પના આ કારનામાથી ડેમોક્રેટ્સ અને સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે તેમના ફેન્સ આને ટ્રમ્પની ખાસ "ટ્રોલિંગ સ્ટાઇલ" ગણાવી રહ્યા છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
