<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

અવકાશમાં ભારતની ‘ત્રીજી આંખ’: ISRO ના હોક્સ આઈ સેટેલાઇટ EOS-5 ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ

તાજેતરના આંચકાઓ બાદ ઇસરોનો બુલંદ વાપસીનો પ્લાન : GSLV F17 રોકેટ દ્વારા લોન્ચ થનારો આ સૈન્ય અને હવામાન ક્ષેત્રનો અદ્યતન ઉપગ્રહ ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએથી દેશની સરહદો પર સતત નજર રાખશે

શ્રીહરિકોટા:  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સતત બે PSLV મિશનમાં મળેલી નિષ્ફળતાઓના આંચકામાંથી બહાર આવીને લોન્ચ પેડ પર એક ધમાકેદાર વાપસી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઇસરો આવનારી ૪ સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV F17 રોકેટ દ્વારા પોતાનો બહુચર્ચિત હાઇ-રિઝોલ્યુશન પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ 'EOS-5' લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહને ભારતની "અવકાશી ત્રીજી આંખ" અથવા "હોક્સ આઈ" તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને પુષ્ટિ કરી છે કે તમામ અંતિમ પરીક્ષણો શેડ્યૂલ મુજબ પૂર્ણ થતાં જ આ મિશનને રવાના કરવામાં આવશે, જે ભારતીય સ્પેસ પ્રોગ્રામ માટે એક નવી અને મજબૂત શરૂઆત સાબિત થશે.

GISAT-1A પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવેલો EOS-5 સેટેલાઇટ વિષુવવૃત્તથી લગભગ ૩૬,૦૦૦ કિલોમીટર ઉપર ભૂસ્તર  ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. સામાન્ય પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો માત્ર ચોક્કસ સમયાંતરે કોઈ વિસ્તાર પરથી પસાર થાય છે, પરંતુ જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં રહેલો આ ઉપગ્રહ ભારત અને તેની આસપાસના વિસ્તારો પર એક જ જગ્યાએ સ્થિર રહીને સતત ૨૪ કલાક રીઅલ-ટાઇમ કવરેજ આપશે. આ અદ્યતન ક્ષમતાના કારણે ચક્રવાત, પૂર, વાદળ ફાટવા અને જંગલની આગ જેવી કુદરતી આપત્તિઓ સમયે સચોટ માહિતી ઝડપથી મળશે. આ ઉપરાંત, દેશની ભૂમિગત અને દરિયાઈ સરહદો પર ચોકીયારી કરવા માટે આ ઉપગ્રહ વ્યૂહાત્મક અને સેનાની સુરક્ષા જરૂરિયાતોમાં અત્યંત ગેમ-ચેન્જર સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે મે ૨૦૨૫ માં EOS-09 (PSLV-C61) અને જાન્યુઆરી ૨૦૨૬ માં EOS-N1 (PSLV-C62) ના મિશન નિષ્ફળ ગયા બાદ ઇસરોના સૌથી વિશ્વસનીય રોકેટ PSLV ની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. જોકે, EOS-5 મિશન માટે અલગ ટેકનોલોજી ધરાવતા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન યુક્ત GSLV Mk II રોકેટનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ઇસરોએ આ મિશન સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૨૧ માં EOS-03 નામના આવા જ એક મિશનમાં મળેલી અસફળતા બાદ આ ક્ષમતા પુનઃપ્રાપ્ત કરવાનો ભારતનો આ બીજો મોટો અને નિર્ણાયક પ્રયાસ છે. આ સફળ લોન્ચિંગ સાથે જ ઇસરો માર્ચ ૨૦૨૭ સુધીના પોતાના વ્યાપક મિશન શિડ્યુલ અને માનવસહિત ગગનયાન (G1) કાર્યક્રમ તરફ મજબૂત કદમ વધારશે.

 

(6:30 PM IST)