ચિત્રકૂટમાં મંદાકિની નદીના જળપ્રલયથી ભારે તબાહી: ૯૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રામઘાટ સહિત અનેક આશ્રમો અને મંદિરો જળમગ્ન!
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદે પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા; કટરા ગુદર અને તારાવન ગામો વિખૂટા પડતાં રસ્તાઓ પર હોડીઓ ફેરવવાની નોબત આવી

ચિત્રકૂટ : ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ પર આવેલ પવિત્ર ધામ ચિત્રકૂટમાં મંદાકિની નદીએ ધારણ કરેલા રૌદ્ર સ્વરૂપે ભારે વિનાશ નોતર્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને નેપાળ તરફથી આવતા પાણીના પ્રવાહને કારણે મંદાકિની નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. સ્થાનિક બુઝુર્ગોના જણાવ્યા અનુસાર છેલ્લા ૯૦ વર્ષમાં ક્યારેય ન જોયું હોય તેવું ભયાનક પૂર આવતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે અને સામાન્ય જનજીવન સંપુર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
નદીના પાણી ફરી વળતાં વિખ્યાત રામઘાટનો મુખ્ય પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. ઘાટ કિનારે આવેલી સેંકડો દુકાનો, હોટલો, મઠો અને મંદિરો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત જાનકીકુંડ વિસ્તારમાં આવેલા પંજાબી ભગવાન આશ્રમ, આરોગ્યધામ, સદગુરુ સેવા સંઘ આશ્રમ અને જગદગુરુ રામભદ્રાચાર્ય આશ્રમ સહિતના અનેક જાણીતા ધાર્મિક સ્થળોમાં પાણી ભરાઈ જતાં મોટા પાયે આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલીક જૂની ઈમારતો પાણીના ભારે પ્રવાહ સામે ધ્રૂજી રહી હોવાથી ધારાશાયી થવાનો ભય ઊભો થયો છે.
બીજી તરફ, કટરા ગુદર અને તારાવન જેવા ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સેંકડો લોકો પોતાના ઘરોની છત પર આશ્રય લઈને ફસાયેલા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે રસ્તાઓ પર હોડીઓ ચલાવીને લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. પોલીસ, એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રાત-દિવસ જોતરાયેલી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
