<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં મોટો ધડાકો: નેશનલ કોન્ફરન્સથી છેડો ફાડ્યા બાદ સાંસદ આગા રુહુલ્લાહ કઈ પાર્ટીમાં જોડાશે? અટકળોનું બજાર ગરમ

ફારુક અબ્દુલ્લાના ખુલ્લા પડકાર બાદ આગા રુહુલ્લાહ નવેમ્બરમાં આપશે રાજીનામું; કોંગ્રેસ, પીડીપી કે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના સંકેતોથી રાજકીય ગરમાવો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. શ્રીનગર લોકસભા બેઠકના બળવાખોર નેશનલ કોન્ફરન્સ (NC) ના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ આગામી નવેમ્બર મહિનામાં વિધિવત રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં જ કાશ્મીર ઘાટીના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. પક્ષના નેતૃત્વ સામે સતત અવાજ ઉઠાવનારા આગા રુહુલ્લાહના આ નિર્ણય બાદ તેઓ હવે કયો નવો રાજકીય રાહ અપનાવશે તે અંગે સસ્પેન્સ ઘેરાયું છે.

 

તેમના નજીકના સાથીઓ અને રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આગા રુહુલ્લાહ નવી પાર્ટી બનાવવાના બદલે કોંગ્રેસ અથવા મહેબૂબા મુફ્તીની પીડીપી (PDP) માં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, સાંસદ આગાએ પોતે હજુ સુધી આ અંગે પત્તા ખોલ્યા નથી, પરંતુ તેમણે એવા પણ સંકેત આપ્યા છે કે રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ફરીથી જનતા વચ્ચે જઈને ચ ચૂંટણી લડી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં બડગામ વિધાનસભા બેઠક પરથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર આગા રુહુલ્લાહ સતત ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા અને ઓમર અબ્દુલ્લાની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ શ્રીનગરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તાજેતરમાં પાર્ટી હાઈકમાન્ડ સામે મોરચો ખોલતાં એનસી પ્રમુખ ફારુક અબ્દુલ્લાહે તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જો તેમનામાં હિંમત હોય તો સંસદમાંથી રાજીનામું આપીને જનતા સમક્ષ પોતાનું સમર્થન સાબિત કરી બતાવે. આ પડકાર બાદ આગા રુહુલ્લાહે પક્ષ છોડવાની જાહેરાત કરતાં જમ્મુ-કાશ્મીરનું રાજકારણ ગરમાયું છે.

(7:30 PM IST)