<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મોંઘવારીના માર સામે ઈંધણનો ભડકો: દિલ્હી-NCR માં ૭ થી ૯ સપ્ટેમ્બર ઓટો-ટેક્સી ચાલકોની હડતાળ, ચક્કાજામ થવાની ભીતિ

CNG ના ભાવ વધારા અને ભાડા વધારાની માંગ સાથે ૧ લાખથી વધુ વાહનોના પૈડાં થંભી જશે; ડ્રાઈવર કલ્યાણ બોર્ડની રચના માટે આરએસએસ અને કોંગ્રેસ સમર્થિત યુનિયનો આવ્યા એક મંચ પર

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મોટા માઠા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ અને લાંબા સમયથી ભાડામાં સુધારો ન થવાના વિરોધમાં વિવિધ ઓટો-ટેક્સી ડ્રાઈવર સંગઠનોએ આવતા મહિને ૭ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક હડતાળ પાડવાનું એલાન કર્યું છે. આ હડતાળમાં કોંગ્રેસ તેમજ ભારતીય મઝદૂર સંઘ (BMS) સમર્થિત યુનિયનો એકસાથે જોડાતાં જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભયાનક શક્યતા ઊભી થઈ છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ હડતાળમાં આશરે ૧,૦૦૦૦૦ થી વધુ ઓટો-રિક્ષા અને પરંપરાગત કાળી-પીળી ટેક્સીઓ ભાગ લેશે. ઓલ દિલ્હી ઓટો ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયન દ્વારા ૭ અને ૮ સપ્ટેમ્બરે બે દિવસીય હડતાળ યોજાશે, જે અંગે લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીને સત્તાવાર નોટિસ આપવામાં આવશે. જ્યારે BMS સમર્થિત યુનિયનોએ ૯ સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. છેલ્લા દોઢ વર્ષથી સરકાર સાથે ચર્ચા ન થઈ શકી હોવાનો આક્ષેપ પણ ચાલકોએ લગાવ્યો છે.

 

ઓટો-ટેક્સી ચાલકોના જણાવ્યા મુજબ, દિલ્હીમાં CNG નો ભાવ તાજેતરમાં વધારા સાથે પ્રતિ કિલો ₹૮૭ સુધી પહોંચી ગયો છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં જ ₹૧૦ નો ધરખમ વધારો થયો છે. ઈંધણ ઉપરાંત ગાડીઓની જાળવણી, ઈન્સ્યોરન્સ અને સ્પેરપાર્ટ્સના ભાવ વધવાથી ચાલકોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે, જ્યારે વર્ષ ૨૦૨૩ પછી સરકારે ભાડામાં કોઈ સુધારો કર્યો નથી. ડ્રાઈવરોએ ભાડા વધારા ઉપરાંત 'ડ્રાઈવર કલ્યાણ બોર્ડ' ની તાત્કાલિક રચના, ખાનગી બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ અને ચલણ પ્રક્રિયામાં રાહત આપવા સહિતની ૯ મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે.

(7:34 PM IST)