News of Saturday, 29th August 2026
અમેરિકાના આકરા પ્રતિબંધો અને નાકાબંધીથી ઈરાન આર્થિક મહાસંકટમાં ફસાયું: મોંઘવારીનો દર ૬૬ ટકાના ભયાનક સ્તરે પહોંચ્યો!
વિદેશ વેપારમાં ૩૫ ટકાનો મોટો કડાકો; સર્વોચ્ચ નેતાના આદેશ બાદ રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયને સ્વીકારી દેશની કફોડી સ્થિતિ

તેહરાન : અમેરિકા સાથે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ અને તેની સાથે લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કટોકટીમાં મુકાઈ ગઈ છે. અમેરિકી નૌકાદળ દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધી અને વૈશ્વિક દબાણને લીધે ઈરાનનો વિદેશ વેપાર આશરે ૩૫ ટકા જેટલો ઘટી ગયો છે. દેશમાં મોંઘવારીનો દર વાર્ષિક ધોરણે ૬૬ ટકાની વિક્રમજનક સપાટીએ પહોંચી જતાં સામાન્ય જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ઈરાનના સર્વોચ્ચ નેતાએ સરકારને નાગરિકોની આજીવિકાના સંકટનો ઉકેલ લાવવા આકરા આદેશો આપ્યા છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન પર આર્થિક દબાણ લાવવા માટે પોતાની વ્યૂહરચના વધુ સખત બનાવી છે. અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને ઈરાન સાથેનો વેપાર તાત્કાલિક ધોરણે ઘટાડવાની ચેતવણી આપી છે અને તેમ ન કરનાર દેશો પર સેકેન્ડરી પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે. જોકે, વૈશ્વિક અર્થતંત્ર અને પોતપોતાના દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાનના મોટા વ્યાપારી ભાગીદારો જેવા કે ભારત અને ચીન પર હજુ સુધી કોઈ સીધા કડક પ્રતિબંધો લાદવાનું ટાળ્યું છે.
બીજી તરફ, ઈરાન સાથે નાણાકીય વ્યવહારો કરવા બદલ અમેરિકાએ ઈજિપ્તની જાણીતી 'Banque Misr' ની સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત શાખા પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી તેના ડોલર વ્યવહારો પર રોક લગાવી શકાય. આ સિવાય હોંગકોંગ સ્થિત એક શંકાસ્પદ કંપની અને ઈરાનની 'Bank Melli' સાથે જોડાયેલી વ્યક્તિ પર પણ નવા પ્રતિબંધો ઝીંકી દેવાયા છે. બેંકિંગ ક્ષેત્રે લાદવામાં આવેલા આ નવા નિયંત્રણોને પગલે ઈરાનનો આંતરરાષ્ટ્રીય કારોબાર લગભગ ઠપ્પ થઈ ગયો છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
