<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

સમય રૈનાના વિવાદિત શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' પર રાજકીય ધમાસાણ: બિહારીઓ અને કાશ્મીરી પંડિતો પર વિવાદાસ્પદ ટિપ્પણીથી હોબાળો, બેન કરવાની માંગ!

કોમેડિયન સમય રૈના અને શેરોન વર્માની આપત્તિજનક ટીખળથી વિવાદ ભડક્યો; ભાજપ નેતા રામ કદમ અને બિહારના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્રતિબંધની કરી ઉગ્ર માંગ

મુંબઈ : લોકપ્રિય કૌમેડિયન સમય રૈનાના સુપરહિત શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન ૨' નો નવો એપિસોડ રિલીઝ થતાં જ ભારે રાજકીય અને સામાજિક વિવાદમાં સપડાયો છે. શોના તાજેતરના એપિસોડમાં કોમેડિયન સમય રૈના અને શોની ગેસ્ટ શેરોન વર્મા વચ્ચે બિહારી સમુદાય અને કાશ્મીરી પંડિતોના હિજરત મુદ્દે કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કટાક્ષ સામે ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા રામ કદમ અને બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ સખત વિરોધ નોંધાવ્યો છે.

 

એપિસોડ દરમિયાન સમય રૈનાએ શેરોન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "તે એટલી બિહારી છે કે તેને લાગે છે કે ઇબોલાનો અર્થ એ છે કે કોઈએ કંઈક બોલ્યું." સામે વળતો પ્રહાર કરતા શેરોને કહ્યું હતું કે, "સમય એટલો કાશ્મીરી છે કે તેને પથ્થરમારો કરવો ગમે છે." વાત અહીં જ ન અટકી અને સમયે શેરોનને 'રોજગાર માટે મુંબઈ આવેલી બિહારી' કહી તો શેરોને કાશ્મીરી પંડિતોના હિજરત પર કટાક્ષ કરતા કહ્યું કે, "ઓછામાં ઓછું મેં મારી મરજીથી મારું રાજ્ય છોડ્યું છે." આ મશ્કરી પર શોની પેનલમાં બેઠેલા ઓરી અને અર્ચના પૂરણ સિંહ હસ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દે વિવાદ ફાટી નીકળ્યો છે.

 

આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રામ કદમે જણાવ્યું હતું કે માત્ર પબ્લિસિટી મેળવવા માટે દેશના દેવતાઓ અને કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવવાની ફેશન બની ગઈ છે. તેમણે આવી વ્યક્તિઓ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. બીજી તરફ, બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું કે દેશના કોઈપણ નાગરિક, જાતિ કે સંપ્રદાય સામે આવી અપમાનજનક ટિપ્પણીઓ બિલકુલ અસ્વીકાર્ય છે અને આ પ્રકારના કૃત્યો દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડે છે.

(9:44 PM IST)