<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મરાઠા અનામત આંદોલન આરપારના જંગ તરફ: મનોજ જરાંગે પાટીલે શરૂ કરી 'આખરી' અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ, મુંબઈ કૂચની આપી ચિમકી!

૫૮ લાખ કુણબી રેકોર્ડના આધારે તાત્કાલિક જાતિ પ્રમાણપત્રો જારી કરવાની ઉગ્ર માંગ; મુખ્યમંત્રી ફડણવીસ અને શિંદે સરકાર પર જરાંગેના આકરા આરોપો

છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે શનિવારથી જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામ ખાતે પોતાની 'અંતિમ' અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેમણે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ કર્યું છે કે મરાઠા સમુદાય હવે સરકારને વધુ સમય આપવાના મૂડમાં નથી અને તેમની તમામ માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

 

પત્રકારો સાથે વાતચીત કરતા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા સમુદાય પ્રત્યે દ્વેષભાવ રાખવાનો અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તેમને પરોક્ષ રીતે સમર્થન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારે અગાઉ શોધાયેલા ૫૮ લાખ કુણબી રેકોર્ડના આધારે મરાઠા સમુદાયને સત્વરે જાતિ પ્રમાણપત્રો જારી કરવા પડશે. જો સરકાર તમામ પડતર મુદ્દાઓ ઉકેલવામાં નિષ્ફળ રહેશે તો મરાઠા સમુદાય મુંબઈમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરશે.

 

જરંગે પાટીલે સરકાર સમક્ષ અનેક મહત્વની માંગણીઓ મૂકી છે, જેમાં સતારા ગેઝેટના આધારે અનામત લાગુ કરવી, ભૂતકાળના આંદોલનો દરમિયાન નોંધાયેલા તમામ પોલીસ કેસો પાછા ખેંચવા અને શહીદ આંદોલનકારીઓના પરિવારોને સરકારી નોકરી તેમજ આર્થિક વળતર આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે જાતિ ચકાસણી સમિતિને નાબૂદ કરવાની અને બાકી રહેલી સારથી શિષ્યવૃત્તિઓ તથા SEBC/EBC ક્વોટા હેઠળના ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક પત્રો આપવાની પણ માંગ કરી છે. મરાઠા આંદોલનના આ નવા તબક્કાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.

(10:47 PM IST)