News of Saturday, 29th August 2026
"RSS ને સમજવા માટે ૧૦,૦૦૦ જન્મ લેવા પડશે!": ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાની પર ભાજપ નેતા રામ કદમનો આકરો પ્રહાર!
મોહન ભાગવતના મેડિસન સ્ક્વેર ગાર્ડન કાર્યક્રમનો વિરોધ કરવા બદલ ભાજપનો તીખો પલટવાર; 'એર કન્ડીશન્ડ રૂમમાં બેસીને વિચારો વ્યક્ત કરવા સરળ છે'

મુંબઈ : અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના પ્રસ્તાવિત કાર્યક્રમનો વિરોધ કરનાર ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા રામ કદમે અત્યંત આકરો પલટવાર કર્યો છે. શનિવારે તીવ્ર પ્રતિક્રિયા આપતા રામ કદમે જણાવ્યું હતું કે, "ઝોહરાન મમદાનીએ RSS ની દેશસેવા અને વિચારધારાને સમજવા માટે ૧૦,૦૦૦ વાર જન્મ લેવો પડશે." તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય મૂળના હોવા છતાં મમદાની માનસિક રીતે હિન્દુ વિરોધી વલણ ધરાવે છે.
રામ કદમે સવાલ ઉઠાવતા કહ્યું કે, "મમદાની ન્યૂ યોર્કના મેયર હોઈ શકે છે, પરંતુ તેમણે દેશ કે સમાજ માટે શું બલિદાન આપ્યું છે? શું તેઓ ક્યારેય RSS ની કોઈ શાખામાં ગયા છે? એર-કન્ડિશન્ડ રૂમમાં બેસીને ભાષણો આપવા ખૂબ સરળ છે. સંઘના સ્વયંસેવકો પોતાના પરિવાર અને ઘરબાર છોડીને આખા રાષ્ટ્રને પોતાનો પરિવાર માને છે અને સંપૂર્ણ સમર્પણ સાથે દેશસેવા કરે છે. RSS ને સમજવા માટે સ્વયંસેવકોના ત્યાગ, સદભાવ અને રાષ્ટ્રપ્રેમને સમજવો જરૂરી છે."
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અમેરિકા પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનારા 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમ અંગે મેયર ઝોહરાન મમદાનીએ વાંધો વ્યક્ત કર્યો હતો. મમદાનીએ જાહેર કર્યું હતું કે તેઓ આ કાર્યક્રમનું સમર્થન કરતા નથી, જોકે ખાનગી આયોજન હોવાથી તેને રોકવાનો અધિકાર તેમની પાસે નથી.
બીજી તરફ, ન્યૂ યોર્કના પ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર પર મોહન ભાગવતના વિશાળ વિઝ્યુઅલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આશરે ૫,૦૦૦ થી વધુ ભારતીય ડાયસ્પોરા અને અમેરિકન-હિન્દુ સમુદાયના સભ્યો આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
