News of Saturday, 29th August 2026
"દુષ્કાળ અને ચંદ્રબાબુ એટલે જોડિયા બાળકો": YSRCP ના પ્રવક્તા પુથા શિવશંકરનો આંધ્રપ્રદેશ સરકાર પર આકરો પ્રહાર!
મોંઘવારી અને દૂધ-તેલના ભાવવધારાથી જનતા ત્રાહિમામ; જગન મોહન રેડ્ડીના શાસન સાથે સરખામણી કરી YSRCP એ સરકારી હસ્તક્ષેપની કરી ઉગ્ર માંગ

અમરાવતી : આંધ્રપ્રદેશની એનડીએ સરકાર પર આકરા પ્રહારો કરતા YSRCP ના પ્રવક્તા પુથા શિવશંકરે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર તીખા બાણ છોડ્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "દુષ્કાળ અને ચંદ્રબાબુ નાયડુ એ જોડિયા બાળકો જેવા છે," કારણ કે ચંદ્રબાબુ નાયડુ સત્તા પર આવે છે કે તરત જ રાજ્યમાં કુદરતી અને આર્થિક મુશ્કેલીઓનો દોર શરૂ થઈ જાય છે.
શિવશંકરે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે ઓછો વરસાદ અને સિંચાઈ સુવિધાઓના અભાવને કારણે રાજ્યમાં માત્ર ૨૦ થી ૨૫ ટકા ખેતીલાયક જમીનમાં જ વાવેતર થઈ શક્યું છે. વાયએસઆરસીપીના કેન્દ્રીય કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે આંધ્રપ્રદેશમાં વધતી મોંઘવારીએ સામાન્ય પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે અને લોકોએ પોતાની માસિક આવકનો ૪૦ થી ૫૦ ટકા હિસ્સો માત્ર આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં ખર્ચવો પડી રહ્યો છે.
વાયએસ જગન મોહન રેડ્ડીના શાસનકાળ સાથે વર્તમાન સ્થિતિની તુલના કરતા તેમણે વિવિધ વસ્તુઓના ભાવવધારાનો આંકડો રજૂ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે જગનના શાસનમાં ૩૫ થી ૪૦ રૂપિયે કિલો મળતી ખાંડ આજે ૭૫ રૂપિયે પહોંચી છે, સામાન્ય ચોખા ૪૦ થી વધીને ૬૫ રૂપિયા અને તુવેર દાળ ૧૦૦ થી વધીને ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ ઉપરાંત, સિંગતેલ અને પામતેલ જેવા ખાદ્યતેલોના ભાવ પણ લગભગ બમણા થઈ ગયા છે.
માત્ર ખોરાક જ નહીં પરંતુ વીજળી અને એલપીજીના ભાવમાં થયેલા વિપુલ વધારા સામે પણ YSRCP એ વિરોધ નોંધાવ્યો છે. શિવશંકરે ઉમેર્યું હતું કે એક સમયે જે વીજ બિલ ૩૦૦ રૂપિયા આવતું હતું તે હવે વધીને ૧,૫૦૦ થી ૫,૦૦૦ રૂપિયા સુધી આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક માર્કેટમાં હસ્તક્ષેપ કરીને ભાવ નિયંત્રણ અને આવશ્યક વસ્તુઓ પર સબસિડી પૂરી નહીં પાડે, તો YSRCP આ મુદ્દાને લઈને રાજ્યવ્યાપી જનઆંદોલન છેડશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
