News of Saturday, 29th August 2026
આંધ્રપ્રદેશના આદિવાસી વિસ્તારો માટે ચંદ્રબાબુ નાયડુની મોટી ભેટ: ડ્રોન અને મોબાઇલ ટેકનોલોજીથી સજ્જ 'સંજીવની હેલ્થકેર પ્રોજેક્ટ'નો પ્રારંભ!
દુર્ગમ પહાડી વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે ટેકનોલોજી આશીર્વાદરૂપ બનશે; બ્લડ સેમ્પલ કલેક્શનથી લઈને હોસ્પિટલ પહોંચાડવા સુધીની સુવિધા ડ્રોન દ્વારા મિનિટોમાં થશે

અમરાવતી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અરાકુ મતવિસ્તારના ગનેલા ગામ ખાતેથી આદિવાસી સમુદાયો માટે ક્રાંતિકારી ગણાતી 'સંજીવની હેલ્થકેર યોજના'નો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પહાડી અને અત્યંત દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ઘરઆંગણે જ ઝડપી અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ પૂરી પાડવાનો છે.
અત્યાર સુધી પહાડી વિસ્તારોમાં રસ્તાઓ કે સુવિધાઓના અભાવે સગર્ભા મહિલાઓ અને ગંભીર રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે માનવ-સંચાલિત 'ડોલી' પર નિર્ભર રહેવું પડતું હતું. નવી યોજના હેઠળ, આદિવાસી વિસ્તારોમાંથી દર્દીઓના બ્લડ સેમ્પલ એકત્રિત કરવા અને તેને ટેસ્ટિંગ માટે પાદેરુની સરકારી જનરલ હોસ્પિટલ સુધી મિનિટોમાં પહોંચાડવા માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી નાયડુએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આ ડ્રોન સિસ્ટમનું સ્વયં નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે વાતચીત કરતા મુખ્યમંત્રીએ આ યોજનાને રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે "ગેમ ચેન્જર" ગણાવી હતી. તેમણે 'તલ્લીકી બિદ્દા એક્સપ્રેસ' વાહનો અને ૧૦૪ 'આરોગ્ય રથમ' વાહનોને પણ લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા, જે આદિવાસી પરિવારોના દરવાજે જઈને નિદાન અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતા તેમણે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે પણ આદિવાસી સમુદાયોને કોફી તથા મરીની ખેતી દ્વારા આર્થિક રીતે પગભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
