News of Saturday, 29th August 2026
ગોરખપુર પાસે ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાંથી ૫૦૦ની નોટોનો અણધાર્યો વરસાદ: પૈસા વીણવા લોકોની પડાપડી, ટ્રેનમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ!
પીપીગંજ સ્ટેશન પર ટ્રેનમાંથી પ્લાસ્ટિકની થેલી ફેંકતા જ હવામાં નોટો ઉડવા લાગી; બીજી તરફ બિહાર સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મુસાફરોની મદદથી પ્રસુતિ થતાં રેલવેએ બચાવ્યો જીવ

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા પીપીગંજ રેલ્વે સ્ટેશન પર એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. ગોરખપુરથી મુંબઈ જતી પનવેલ એક્સપ્રેસ ટ્રેન જ્યારે પીપીગંજ સ્ટેશન પરથી નોન-સ્ટોપ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલતી ટ્રેનમાંથી રૂ. ૫૦૦ ના દરની કડકડતી નોટોનો વરસાદ થવા લાગ્યો હતો. હવામાં ઉડતી નોટો જોઈને સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિક લોકો અવાક થઈ ગયા હતા અને ક્ષણભરમાં જ પૈસા વીણવા માટે લોકોની ભારે દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ટ્રેનમાં મુસાફરી કરી રહેલી કોઈ વ્યક્તિએ પોલીથીનની બેગમાં લપેટીને રોકડ રકમનું પેકેટ સ્ટેશન પર ઉભેલા તેના કોઈ પરિચિત તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની ઝડપના કારણે પ્લાસ્ટિકની થેલી હવામાં જ ફાટી ગઈ હતી, જેના લીધે ૫૦૦ રૂપિયાની નોટો આખા રેલ્વે ટ્રેક અને આસપાસના વિસ્તારમાં વિખરાઈ ગઈ હતી. જોકે, આ પૈસા કોના હતા અને કુલ કેટલી રકમ હતી તે અંગે રેલવે કે સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ, દિલ્હીથી છાપરા જતી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં એક ભાવુક ઘટના બની હતી. નવી દિલ્હીથી પોતાના વતન જઈ રહેલી કિરણ નામની ગર્ભવતી મહિલાને ગોરખપુર નજીક અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા શરૂ થઈ હતી. ટ્રેનમાં સવાર અન્ય મહિલા મુસાફરોની તત્પરતા અને મદદથી મહિલાએ ટ્રેનની અંદર જ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે કંટ્રોલ રૂમે સંવેદનશીલતા દાખવીને ટ્રેનને તાત્કાલિક ચૌરી ચૌરા સ્ટેશન પર રોકી હતી અને એમ્બ્યુલન્સ મારફતે માતા અને નવજાત બાળકને સરકારી આરોગ્ય કેન્દ્રમાં સુરક્ષિત ખસેડ્યા હતા.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
