News of Saturday, 29th August 2026
અભિનેતા ચંદ્રચુડ સિંહના પરિવારમાં કરોડોની મિલકત માટે મોટો કૌટુંબિક વિવાદ: દાદા બીમાર હતા ત્યારે કાકા-કાકીએ બનાવ્યું નકલી વસિયતનામું, ૭ સામે એફઆઈઆર!
ઐતિહાસિક હવેલી અને કરોડોની પૈતૃક જમીન હડપવા રચાયું કાવતરું; રોરાવર પોલીસ સ્ટેશનમાં ચંદ્રચુડ અને ભાઈ અભિમન્યુએ નિવેદન નોંધાવી ન્યાયની કરી માંગ

અલીગઢ : 'માચિસ' અને 'જોશ' જેવી હિટ ફિલ્મોથી જાણીતા બોલિવૂડ અભિનેતા ચંદ્રચુડ સિંહ અને તેમની કૌટુંબિક જમીન-મિલકતનો વિવાદ હવે પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે આવેલી જલાલપુર એસ્ટેટની કરોડો રૂપિયાની ઐતિહાસિક હવેલી અને કીમતી ખેતીની જમીન પર કબ્જો જમાવવા માટે તેમના કાકા અને કાકીએ નકલી વસિયતનામું બનાવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે અભિનેતાએ પોતાના ભાઈ સાથે મળીને કાકા-કાકી સહિત સાત લોકો સામે નામજોગ ગુનાહિત એફઆઈઆર નોંધાવી છે.
શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયા સાથે વાત કરતા ચંદ્રચુડ સિંહે ખુલાસો કર્યો હતો કે તેમના સ્વર્ગસ્થ દાદા હરેન્દ્ર પાલ સિંહ ગંભીર રીતે બીમાર હતા અને માનસિક રીતે વસિયતનામું બનાવવાની સ્થિતિમાં નહોતા. તે સમયનો ગેરલાભ ઉઠાવીને તેમના સગા કાકા અને કાકીએ નકલી અને અનરજિસ્ટર્ડ વસિયતનામું તૈયાર કરી કરોડોની સંપત્તિ ગેરકાયદેસર રીતે વેચવાનું કાવતરું ઘડ્યું હતું. અભિનેતાએ ઉમેર્યું કે આ છેતરપિંડીના કારણે તેમનો પરિવાર છેલ્લા ૩૦ વર્ષથી પોતાના હકથી વંચિત રહ્યો છે.
ચંદ્રચુડ સિંહ અને તેમના ભાઈ અભિમન્યુ સિંહે રોરાવર પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારી સમક્ષ હાજર થઈને પોતાના સત્તાવાર નિવેદનો નોંધાવ્યા છે. રોરાવર પોલીસે અભિમન્યુની ફરિયાદના આધારે ગાયત્રી દેવી, જય સિંહ અને અંજની સિંહ સહિત સાત લોકો સામે છેતરપિંડી, કાવતરું અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનો કેસ દાખલ કર્યો છે. સીઓ સંજીવ કુમારે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય સાક્ષીઓ તથા આરોપીઓના નિવેદનો લઈ કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
