<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

'શુદ્ધિકરણ' મુદ્દે દેશમાં રાજકીય સંગ્રામ આક્રમક: રાહુલ ગાંધીના પ્રહારો સામે ભાજપનો પલટવાર, કહ્યું- "સમાજમાં વિભાજન અને સંઘર્ષ ઉભો કરવાનો નવો પ્રયાસ!"

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડ રેલી બાદ કરાયેલા શુદ્ધિકરણ વિધિ પર આકરો વિવાદ; રાહુલે અસ્પૃશ્યતા ગણાવી SC/ST એક્ટ હેઠળ એફઆઈઆરની કરી માંગ

નવી દિલ્હી : ઉત્તરાખંડના હલ્દવાની સ્થિત રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ યોજાયેલા કહેવાતા 'શુદ્ધિકરણ' વિધિને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આરએસએસ (RSS) પર ગંભીર આરોપો લગાવતા આ કૃત્યને અસ્પૃશ્યતાનું બીજું રૂપ અને બંધારણીય ગુનો ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે ઉત્તરાખંડમાં આ શુદ્ધિકરણ કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધવામાં આવે.

 

બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધીના આ આરોપો સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ પર પલટવાર કરતા જણાવ્યું કે વિપક્ષી નેતા માત્ર સમાજમાં વિભાજન અને નવો સંઘર્ષ ઉભો કરવાના હેતુથી આવા નિવેદનો આપી રહ્યા છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે પાર્ટી આવી કોઈ પણ ભેદભાવપૂર્ણ પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી અને કોંગ્રેસ પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દાનું તુષ્ટીકરણ અને દલિત રાજકારણ કરી રહી છે.

 

દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશમાં અત્યારે બે વિરોધી વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસ દેશના દલિતોનો વિકાસ અને સન્માન સહન કરી શકતા નથી. નોંધનીય છે કે આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવીને પોતાનું અપમાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. બંને પક્ષો વચ્ચે સામસામે થઈ રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપના કારણે આગામી સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે.

(9:42 PM IST)