News of Sunday, 30th August 2026
રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ: ઝારખંડના ચત્રમાં રમત દરમિયાન વીજળી પડતાં ધોરણ ૭ ના વિદ્યાર્થીનું કરૂણ મોત!
શાળા કમ્પાઉન્ડમાં રમતી વખતે અચાનક ગાજવીજ સાથે ત્રાટકેલી વીજળી; અનીશ ઓરાઓન નામના માસૂમ બાળકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

ચત્ર, તા.૨૯: ઝારખંડના ચત્ર જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શાળામાં રમતગમત સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ધોરણ ૭ ના એક વિદ્યાર્થી પર અચાનક વીજળી પડતાં તેનું કરૂણ મોત નિપજ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા વાછવાઈ ગઈ છે.
પોલીસ અને શાળા પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, આ કરૂણ ઘટના ચત્ર સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી દાદહ ગામની અપગ્રેડેડ મિડલ સ્કૂલમાં બની હતી. શનિવારે બપોરે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે શાળામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રમતમાં વ્યસ્ત હતા. તે જ સમયે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ તથા વરસાદ સાથે આકાશમાંથી કાળમુખી વીજળી ત્રાટકી હતી.
આ વીજળીની ચપેટમાં આવતા મૂળ રાંચીનો વતની અને ચત્રમાં પોતાના નાના-નાની સાથે રહીને અભ્યાસ કરતો અનીશ ઓરાઓન નામનો માસૂમ વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બનતા જ શાળાના શિક્ષકો અને સ્થાનિકો તેને તાત્કાલિક સારવાર અર્થે સદર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
ચત્રના એસડીપીઓ (SDPO) સોની વર્ધને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કમનસીબ ઘટનામાં એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ સદ્ભાગ્યે અન્ય કોઈ વિદ્યાર્થીને ઈજા કે નુકસાન પહોંચ્યું નથી. પોલીસે આ મામલે કાનૂની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
