<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કુંડમાં નહાવા ગયો ભાઈઃ પગ લપસ્‍યોઃ બચાવવા કૂદેલી ૩ બહેનો પણ ડૂબીઃ એક જ પરિવારનાં ૪ના મોત

કરુણાંતિકાઃ રાજસ્‍થાનના ધૌલપુર જિલ્‍લામાં રવિવારે સવારે દર્દનાક અકસ્‍માત : એક જ પરિવારના ૪ લોકોનાં મોતના સમાચારથી આખું ગામ સ્‍તબ્‍ધ

ધૌલપુર,તા.૩૧:  રાજસ્‍થાનના ધૌલપુર જિલ્‍લામાં રવિવારે સવારે દર્દનાક અકસ્‍માત થયો હતો. જેમાં એક ભાઈ અને ૩ બહેનોનાં મોત થયા હતા. એક જ પરિવારના ૪ લોકોનાં મોતના સમાચારથી આખું ગામ સ્‍તબ્‍ધ થઈ ગયું હતું. મામલો ધૌલપુર જિલ્‍લાના આંગઈ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ધૌંધ બિરજા ગામનો છે. રવિવારે ૩ બહેનો પોતાના એક ભાઈ સાથે લોકદેવતા હીરામન બાબાના મંદિરે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન ત્રણેય બહેનો મંદિરમાં પૂજા-અર્ચના કરવા ગઈ અને તેમનો ભાઈ કુંડ (તળાવ)માં નહાવા ગયો હતો. જ્‍યારે બહેનોને ભાઈ ન દેખાયો, ત્‍યારે તેઓ કુંડ તરફ પહોંચી અને ભાઈને કુંડમાં ડૂબતો જોયો હતો. ત્‍યારબાદ ત્રણેય બહેનો તેને બચાવવા માટે કુંડમાં કૂદી ગઈ હતી.

કુંડમાં પાણી વધુ હોવાથી ભાઈ અને બહેનોનાં ડૂબવાથી મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્‍થળે ગ્રામજનોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્‍થળે સરમથુરા પોલીસ સ્‍ટેશનના પ્રભારી કૃપાલ સિહ અને આંગઈ પોલીસ પણ પહોંચી ગઈ હતી. ત્‍યારબાદ પોલીસે SDRF અને સ્‍થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય બહેનોના મૃતદેહ બહાર કાઢ્‍યા હતા. જ્‍યારે યુવકનો મૃતદેહ અનેક કલાકોની મહેનત બાદ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો.

અકસ્‍માત બાદ ઘટનાસ્‍થળે અફરાતફરી મચી ગઈ હતી. જાણકારી મળ્‍યા બાદ આંગઈ અને સરમથુરા પોલીસ સ્‍ટેશનની પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે સ્‍થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમની મદદથી ચારેય મૃતદેહોને કુંડમાંથી બહાર કાઢી સરમથુરાની સરકારી હોસ્‍પિટલમાં રાખ્‍યા અને પરિવારજનોની હાજરીમાં મૃતદેહોનું પોસ્‍ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધા હતા. ત્‍યારબાદ અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ઘટના બાદ ગામમાં શોકનો માહોલ સર્જાયેલો છે.

(10:39 AM IST)