News of Monday, 31st August 2026
પાકિસ્તાનમાં ‘ધુરંધર સ્ટાઈલ’ ટાર્ગેટ કિલિંગ: જેશ-એ-મોહમ્મદના રિક્રૂટર અને 26/11ના માસ્ટરમાઇન્ડ લખવીના સંબંધી હાફિઝ જુલ્ફિકારની માથામાં ગોળી મારી હત્યા
અજ્ઞાત હુમલાખોરે પાછળથી આવી પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર ફાયરિંગ કર્યું; સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સળવળાટ

ઈસ્લામાબાદ, તા.૩૧: પાકિસ્તાનની ધરપકડમાં છુપાયેલા આતંકવાદીઓ પર અજ્ઞાત હુમલાખોરોનો કાળ ફરી એકવાર ત્રાટક્યો છે. આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના રિક્રૂટર અને 26/11 મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર ઝકી-ઉર-રહેમાન લખવીના નજીકના સંબંધી હાફિઝ જુલ્ફિકારની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે, એક અજ્ઞાત શૂટર પાછળથી ચાલતો આવે છે અને હાફિઝ જુલ્ફિકારના માથા પર જ બંદૂક સટાવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર ગોળી મારી દે છે. ગોળી વાગતા જ તે સ્થળ પર જ ઢળી પડે છે, જ્યારે હુમલાખોર મોકાનો લાભ ઉઠાવીને ફરાર થઈ જાય છે. આ ઘટનાને બોલિવૂડ ફિલ્મ અને હાલની ટાર્ગેટ કિલિંગની પેટર્નને આધારે સોશિયલ મીડિયા પર 'ધુરંધર-સ્ટાઈલ' કિલિંગ તરીકે ઓળખાવવામાં આવી રહી છે.
ભારતીય સેનાના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડેએ પણ આ વાયરલ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, "No place to hide, Dead is best" (સંતાવા માટે કોઈ જગ્યા નથી, મોત જ ઉત્તમ છે).
ઉલ્લેખનીય છે કે ઝકી-ઉર-રહેમાન લખવી લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી છે, જેણે ૨૦૦૮ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું જેમાં ૧૬૬ નિર્દોષ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારતવિરોધી આતંકવાદીઓ પર થઈ રહેલા 'અજ્ઞાત હુમલાખોરો'ના સતત હુમલાઓથી આતંકી સંગઠનોમાં ભારે ફાટફૂટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
