<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સપ્ટેમ્બરમાં બેંકિંગ કામકાજ ખોરવાશે: તહેવારો, સાપ્તાહિક રજાઓ અને દેશવ્યાપી હડતાળને કારણે સપ્ટેમ્બરમાં કુલ ૧૪ દિવસ બેંકો રહેશે બંધ

RBI ના રજા કેલેન્ડર સાથે બેંક યુનિયનોની હડતાળનો ઉમેરો; શાખાની મુલાકાત લેતા પહેલા રજાઓનું લિસ્ટ ચકાસી લેવું અનિવાર્ય

અમદાવાદ, તા.૩૧: સપ્ટેમ્બર ૨૦૨૬ના મહિનામાં જો તમારે કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કે રોકડ સંબંધિત કામ પતાવવું હોય તો અત્યારથી જ તેનું આયોજન કરી લેજો. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર અનુસાર, વિવિધ પ્રાદેશિક તહેવારો, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી અને સાપ્તાહિક રજાઓને કારણે સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં બેંકો કુલ ૧૪ દિવસ બંધ રહેશે.

આ ઉપરાંત, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા અઠવાડિયામાં પાંચ કામકાજના દિવસો અને પેન્શન જેવા મુદ્દાઓને લઈને ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. ૧૧ સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ હડતાળ બાદ બીજા દિવસે બીજો શનિવાર અને રવિવાર હોવાથી સતત ત્રણ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી શકે છે. એટલું જ નહીં, યુનિયનોએ ૨૮ સપ્ટેમ્બરથી વધુ ત્રણ દિવસની હડતાળની પણ ચેતવણી આપી છે.

તહેવારોની વાત કરીએ તો, ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તથા સંવત્સરી અને અન્ય સ્થાનિક પર્વોને કારણે મુખ્ય શહેરોમાં બેંક શાખાઓનું કામકાજ બંધ રહેશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રજાઓ દેશભરમાં અલગ-અલગ રાજ્યો અને શહેરો મુજબ લાગુ થશે.

બેંક શાખાઓ ભલે બંધ રહે પણ ગ્રાહકો માટે ડિજિટલ સેવાઓ સરળતાથી ચાલુ રહેશે. બેંકિંગ ગ્રાહકો યુપીઆઈ (UPI), ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ્લિકેશન અને એટીએમ (ATM) સેવાઓનો ૨૪ કલાક ઉપયોગ કરી શકશે. RTGS અને NEFT ની સુવિધાઓ પણ અવિરતપણે ઉપલબ્ધ રહેશે, જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ બાધા આવશે નહીં.

(3:35 PM IST)