<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

બિહારમાં દારૂબંધીના ૧૦ વર્ષ પૂર્ણ પણ જમીની વાસ્તવિકતા વરવી: કાગળ પર 'શુષ્ક રાજ્ય' પણ ગ્રાઉન્ડ પર હોમ ડિલિવરી, ઝેરી દારૂના મોત અને ગુનાખોરીમાં મોટો ઉછાળો

NCAER નો રિપોર્ટ અને NCRB ના આંકડા છતી કરે છે નીતિની નિષ્ફળતા; વિપક્ષ સહિત સાથી પક્ષોએ પણ નીતિની સમીક્ષા અને ગુજરાત મોડેલ અપનાવવાની માંગણી વેગવંતી બનાવી

પટણા, તા.૩૧: બિહારમાં ૧ એપ્રિલ, ૨૦૧૬ના રોજ અમલમાં મૂકાયેલી સંપૂર્ણ દારૂબંધી નીતિને ૧૦ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ કાયદાના આટલા કડક અમલ છતાં જમીની વાસ્તવિકતા કંઈક જુદી જ ચિતાર રજૂ કરે છે. કાગળ પર રાજ્ય સંપૂર્ણપણે 'ડ્રાય સ્ટેટ' જાહેર કરાયું છે, પરંતુ પટણામાં તાજેતરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના થયેલા કરૂણ મોત તથા ભોજપુરના આરામાંથી ૧ કરોડ રૂપિયાનો ગેરકાયદે દારૂ પકડાવાની ઘટનાઓ સાબિત કરે છે કે રાજ્યમાં દારૂનું નેટવર્ક અને દાણચોરી અવિરતપણે ચાલુ છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના તાજેતરના રિપોર્ટમાં પણ બિહારની વર્તમાન દારૂબંધી નીતિના પરિણામો સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દારૂબંધી લાવવા પાછળ ગાંધીવાદી આદર્શ, જાહેર આરોગ્ય અને મહિલાઓ સામેના ગુના અટકાવવાનો હેતુ હતો. પરંતુ એનસીઆરબી (NCRB) ના આંકડા દર્શાવે છે કે ૨૦૧૬માં દારૂબંધી લાગુ થયા બાદ રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધના ગુના ઘટવાને બદલે અઢી ગણાથી વધુ વધી ગયા છે. ૨૦૧૬માં જે કેસો ૧૨,૦૦૦ આસપાસ હતા, તે ૨૦૨૪ સુધીમાં વધીને અંદાજે ૨૮,૦૦૦ સુધી પહોંચી ગયા છે.

આ મુદ્દે બિહારના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે દારૂબંધીને સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી શાસક પક્ષના છત્રછાયા હેઠળ ચાલતું નેટવર્ક ગણાવ્યું છે. જ્યારે પ્રશાંત કિશોરે તેમની સરકાર બનશે તો દારૂબંધી સંપૂર્ણ હટાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, જેડીયુના સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુર, એલજીપી (આર) ના ચિરાગ પાસવાન અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ કાયદાની સમીક્ષા કરવાની તેમજ બિહારને ગુજરાત મોડેલ અપનાવવાની સલાહ આપી છે. આ તમામ રાજકીય વિરોધ વચ્ચે દારૂબંધી મંત્રી મદન સાહનીએ સ્પષ્ટ કર્યું છે કે કાયદામાં હાલ કોઈ સુધારો કરવામાં આવશે નહીં.

(3:36 PM IST)