News of Monday, 31st August 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: આખી ફેક્ટરી સાથે આસપાસના ૭ મકાનો જમીનદોસ્ત; ૨ માસૂમ બાળકો સહિત ૩ ના કરૂણ મોત, ૨૦થી વધુ ગંભીર
૨ કિલોમીટર સુધી સંભળાયો ધડાકાનો અવાજ; ખાટલામાં નાખીને ઘાયલોને પહોંચાડાયા હોસ્પિટલ, ક્રેન અને બોમ્બ સ્કવોડ દ્વારા બચાવ કામગીરી શરૂ

કૌશાંબી, તા.૩૧: ઉત્તર પ્રદેશના કૌશાંબી સ્થિત પુરમુફ્તી વિસ્તારના મનૌરી ગામમાં સોમવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં હૃદયકંપાવનારો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં ૫ વર્ષની પ્રિયાંશી અને ૧૩ વર્ષના પ્રવીણ નામના બે માસૂમ બાળકો સહિત કુલ ૩ લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર ફેક્ટરી ક્ષણવારમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી અને તેની ૫૦ મીટરની ત્રિજ્યામાં આવેલા આસપાસના ૫ થી ૭ મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં રોજની જેમ ૨૫થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક મોટો ધડાકો થયો હતો, જેનો અવાજ લગભગ ૨ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને લાંબા સમય સુધી ફટાકડા ફૂટવાનો અવાજ આવતો રહ્યો હતો. દુર્ઘટના બાદ વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ ઘાયલોને ખાટલામાં સુવડાવીને સારવાર અર્થે પ્રયાગરાજની એસઆરએન (SRN) હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), પોલીસ અધિક્ષક (SP) તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દબાયેલા હોવાની શંકા હોવાથી બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવા તેમજ ઘાયલોને મફત અને યોગ્ય સારવાર આપવાના કડક નિર્દેશ આપ્યા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
