News of Monday, 31st August 2026
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato નો મોટો નિર્ણય: 'એનાલોગ ડેરી'થી બનેલી વાનગીઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ; કૃત્રિમ પનીર-ચીઝ વાપરતી રેસ્ટોરન્ટ્સ થશે ડિલિસ્ટ
ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં થાય: CEO આદિત્ય મંગલા; હૈદરાબાદમાં કસ્ટમર સપોર્ટ સેન્ટર બંધ કરી ૨૫૦ કર્મચારીઓની છટણી કરાઈ

નવી દિલ્હી, તા.૩૧: ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રની દિગ્ગજ કંપની Zomato એ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ તેના પ્લેટફોર્મ પર કૃત્રિમ કે ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનો એટલે કે 'એનાલોગ ડેરી' (Analog Dairy) નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી તમામ વાનગીઓના વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જે રેસ્ટોરન્ટ્સ પોતાની વાનગીઓમાં કુદરતી દૂધ, પનીર કે ચીઝને બદલે કૃત્રિમ ડેરી ઉત્પાદનો વાપરતી હોવાનું સામે આવ્યું છે, તેમને પ્લેટફોર્મ પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
Zomato ના સીઈઓ આદિત્ય મંગલાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગ્રાહકોને શુદ્ધ, પૌષ્ટિક અને ગુણવત્તાસભર ખોરાક પહોંચાડવો એ જ કંપનીની પ્રાથમિકતા છે. કંપનીએ આ મામલે શૂન્ય-સહિષ્ણુતા (Zero-Tolerance) નીતિ અપનાવી છે. તમામ ભાગીદાર રેસ્ટોરન્ટ્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની વાનગીઓમાં માત્ર કુદરતી ડેરી પેદાશોનો જ ઉપયોગ કરે. જો કોઈ રેસ્ટોરન્ટ ત્વરિત કુદરતી ડેરી ઉત્પાદનો પર સ્વિચ ન કરી શકે, તો તેમણે પોતાના મેનૂમાંથી એનાલોગ ડેરીવાળી વાનગીઓ તાત્કાલિક દૂર કરવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર રેસ્ટોરન્ટ્સને કાયમી ધોરણે ડિલિસ્ટ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, આ નીતિગત ફેરફાર વચ્ચે Zomato થી જોડાયેલા અન્ય એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. કંપનીએ તેના આંતરિક પુનર્ગઠન (Restructuring) ના ભાગરૂપે હૈદરાબાદ સ્થિત કસ્ટમર સપોર્ટ સેન્ટરની કામગીરી પૂર્ણપણે બંધ કરી દીધી છે. અહેવાલો મુજબ, કંપનીએ પોતાના ગ્રાહક સેવાના મોટાભાગના કામકાજને બાહ્ય એજન્સીઓને આઉટસોર્સ કરી દીધા છે, જેના કારણે હૈદરાબાદ કેન્દ્રમાં કામ કરતા આશરે ૨૫૦ જેટલા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
